ઔદ્યોગિક સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વનીઃ અમિત શાહ
ભુવનેશ્વર, 6 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે ઓડિશાના મુંડલી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના 57માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે દેશની આંતરિક સુરક્ષા અને નક્સલવાદ મુદ્દે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 31 માર્ચ 2026 સુધીમાં ભારત સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત થઈ જશે. ગૃહમંત્રીએ આ અવસરે અંદાજે 890 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા 3 આવાસીય સંકુલ (કામરૂપ, નાસિક અને સિહોર) નો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ રાજરહાટ અને દિલ્હી ખાતે તૈયાર થયેલા 2 આવાસીય પરિસરોનું લોકાર્પણ પણ કર્યું હતું.
સમારોહને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સીઆઈએસએફએ છેલ્લા 56 વર્ષમાં શૂન્યથી શિખર સુધીની સફર ખેડી છે. દેશના એરપોર્ટ, બંદરો અને મોટા ઔદ્યોગિક એકમોની સુરક્ષા આ દળના ખભા પર નિર્ભર છે. તેમણે ઉમેર્યું કે, “દેશના ઔદ્યોગિક વિકાસને સુરક્ષિત રાખવા માટે સીઆઈએસએફની ભૂમિકા મહત્વની છે. અત્યારે આ દળ દેશના 70 એરપોર્ટ સહિત 361 મહત્વપૂર્ણ સંસ્થાનોની સુરક્ષા કરી રહ્યું છે. આગામી સમયમાં ડ્રોન સુરક્ષા માટે પણ સીઆઈએસએફને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.”
નક્સલવાદ વિરોધી અભિયાન અંગે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં સીઆઈએસએફના જવાનો અત્યંત સક્રિય છે. તિરુપતિથી પશુપતિનાથ સુધી ‘રેડ કોરિડોર’ બનાવવાનું સપનું જોનારા તત્વોને આ દળ દ્વારા સખત પરાજય આપવામાં આવી રહ્યો છે. 2026 સુધીમાં દેશને આ દૂષણથી મુક્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. સીઆઈએસએફના જવાનોની બહાદુરીના વખાણ કરતા શાહે નોંધ્યું હતું કે, અત્યાર સુધીમાં આ દળના જવાનોએ વીરતા અને વિશિષ્ટ સેવા માટે કુલ 13693 પદકો પ્રાપ્ત કર્યા છે, જે તેમની ઉત્કૃષ્ટતાનું પ્રમાણ છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2027 સુધીમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના લક્ષ્યમાં સીઆઈએસએફ એક ‘કેટાલિસ્ટ’ (ઉત્પ્રેરક) તરીકે મહત્વની ભૂમિકા ભજવશે. ઔદ્યોગિક અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


