ધોરણ 1થી 5ની સ્કૂલો દિવાળી પહેલા શરૂ થશે: શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાતના નવા શિક્ષણમંત્રીએ સ્કૂલ શરૂ થવાને લઈને મોટી જાણકારી આપી છે. શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ કહ્યું કે ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તૈયારી થઈ રહી છે. દિવાળી પહેલા પ્રાથમિક શાળાઓ શરૂ થઈ જશે. આ વાત ત્યારે કહેવામાં આવી જ્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે ખોડલધામના દર્શન માટે આવ્યા હતા.
જો કે ફી માળખા અંગેના સવાલમાં તેઓએ અજાણ હોવાનું જણાવ્યું હતું. આ તકે તેમણે એમ પણ કહયું હતું કે, 25 ઓક્ટોબરે શિક્ષણ વિભાગ ખાદી દિવસની ઉજવણી કરશે અને આ દિવસે શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ સહિત તમામ લોકો ખાદી પહેરીને કામકાજ કરશે.
મહત્વની વાત એ છે કે કોરોનાના કારણે લાંબો સમય શાળા કોલેજો બંધ રહી અને તેના કારણે ભણતરને પણ ક્યાંક નુક્સાન થયું છે. હવે લાંબા સમય પછી સરકાર સ્કૂલ કોલેજોને શરૂ કરવા અંગે વિચારી રહી છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલ કોલેજોને શરૂ કરતાની સાથે પણ કેટલાક નવા નિયમો બનાવવામાં આવી શકે છે.