1. Home
  2. ગુજરાતી
  3. બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક
બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક

બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક

0
Social Share

કોલકાતા, 6 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી મેળવ્યા બાદ હવે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ 9 મેના રોજ કોલકાતાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ લેશે. આ તારીખની પસંદગી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ નિમિત્તે કરવામાં આવી છે, જે આ કાર્યક્રમને સાંસ્કૃતિક મહત્વ આપે છે.

શપથ ગ્રહણના એક દિવસ પહેલા, એટલે કે 8 મેના રોજ બપોરે 3 વાગ્યા બાદ ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે, જેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેકવાર સંકેત આપ્યા હતા કે બંગાળના મુખ્યમંત્રી કોઈ સ્થાનિક અને બંગાળી ભાષા બોલતા નેતા જ હશે.

સરકાર રચવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. અમિત શાહ ગુરુવારે કોલકાતા પહોંચી વિધાયકો સાથે બેઠક કરી મુખ્યમંત્રી અને કેબિનેટના નામો પર અંતિમ મહોર મારશે. તાજેતરની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે 207 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ચૂંટણી પંચે નવી વિધાનસભાના ગઠન માટેનું જાહેરનામું બહાર પાડી રાજ્યપાલને મોકલી આપ્યું છે, જેનાથી સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે.

ચૂંટણી બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય અને તેમનું સચિવાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પક્ષના નેતાઓ કાર્યકરોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સક્રિય છે. પશ્ચિમ બંગાળમાં દાયકાઓ બાદ આવેલા આ મોટા પરિવર્તન અને નવા નેતૃત્વ પર હવે સમગ્ર દેશની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code