Homeગુજરાતીગુજરાતગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે, 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા

ગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે, 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે. અને 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ ઉત્તર-પૂર્વિય પવનોને લીધે રાતના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, જોકે દરિયાકાંઠા વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે, આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય છે, તેને કારણે લઘુત્તમ તાપમાન યથાવત્ છે. આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતા હોવાને કારણે નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. આ સાથે જ 24 કલાકમાં પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

હવામાન અંગેની આગાહી કરનારા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે-ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉળશે, ગરમી રહેશે. 20 ફેબ્રુઆરીથી ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીએ પહોંચી જશે. 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરુ થશે. એપ્રિલ અને મે મહિનામા પવનની ગતિ વધુ રહેશે. આધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે. જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular