Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન રોગચાળા સામે સતર્ક રહેવા કલેકટરે આપી સુચના

Social Share

સુરેન્દ્રનગર, 9 જુન, 2026 :  Advice to be vigilant against epidemics during monsoon જિલ્લામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સતર્ક રહેવા માટે કલેકટરે સુચના આપી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ લોકકલ્યાણ યોજનાઓ અને રોગ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DDO કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, RDC પટેલ, DYSP પાર્થ પરમાર અને ડેપ્યુટી DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કુલ 11 મહત્વના કાર્યક્રમોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠક દરમિયાન મુખ્યત્વે સંચારી રોગ અને વાહકજન્ય રોગ નિયંત્રણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય તેમજ અન્ય સંચારી રોગોનો ફેલાવો અટકાવવા માટે ફોગિંગ, એન્ટી-લાર્વા કામગીરી અને જનજાગૃતિ અભિયાન તેજ કરવા કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લાને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોની આસપાસ તમાકુ નિયંત્રણ કાયદા (COTPA)નું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયા હતા. આગામી પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે માઇક્રોપ્લાનિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ, અન્ય આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે પણ સૂચનાઓ અપાઈ હતી.

કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમોનું અમલીકરણ સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર થાય તે અત્યંત જરૂરી છે. તમામ સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાધીને જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે શ્રેષ્ઠ પરિણામો આપે છે.’

Exit mobile version