
રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવશે. જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે. હવેથી જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યુ કે, NEP-2020ની વિવિધ જોગવાઇઓમાંથી એક કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કને સુદ્રઢ બનાવવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભનો ડ્રાફ્ટ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ/ કોલેજો/ વાઈસ ચાન્સેલરો/ આચાર્યો/ અધ્યાપકો/ અન્ય તમામ પ્રજાજનો માટે વિવિધ શૈક્ષણિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનો સમક્ષ સરકારના શિક્ષણ વિભાગ માટે જાહેરમાં મુકવામાં આવ્યો હતો. જેમાં 47 સ્ટેકહોલ્ડર્સ પાસેથી કુલ 197 સૂચનો પ્રાપ્ત થયા છે. જેને ધ્યાને લેતાં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ આખરી કરવામાં આવ્યો છે.તમામ સૂચનો ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ શૈક્ષણિક વર્ષ 2023-24 માં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ તેના અમલીકરણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પણ જાહેર કરવામાં આવશે. જેનો અમલ ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે.
મંત્રીએ ઉમેર્યુ કે, યુજી સર્ટીફીકેટ, યુજી ડીપ્લોમા, ત્રણ વર્ષનો ડીગ્રી પ્રોગ્રામ જેમાં સ્નાતક કક્ષાની ડીગ્રી, સ્નાતક કક્ષાની ઓનર્સ, તથા સ્નાતક રીસર્ચ કક્ષાની ડીગ્રીઓ, એનાયત કરવામાં આવશે. આ માળખામાં મેજર (કોર) મુખ્ય પાઠ્યક્રમ રહેશે. ગૌણ વિષયમાં માઇનર ઈલેકટીવ, મલ્ટીડિસિપ્લીનરી (બહુવિદ્યાશાખાકીય), સંલગ્ન સબંધિત કોર્સિસનું બાસ્કેટ પણ રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થી સમર ઇન્ટર્નશિપ કોર્સિસથી ૪ ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી સ્નાતક, ચાર વર્ષના અભ્યાસ પછી સ્નાતક ઓનર્સ અથવા સ્નાતક ઓનર્સ વિથ રીસર્ચની ડીગ્રી નિયત ક્રેડીટ પ્રાપ્ત થતાં મેળવી શકશે. જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/ રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે. વર્ષ ૨૦૨૩-૨૪ થી ક્રેડિટ અને અભ્યાસક્રમ માળખું (AICTE, PCI, BCI, COA, NCTE, વગેરે દ્વારા નિયંત્રિત સિવાયના અભ્યાસક્રમો) માટે લાગુ કરવાનું રહેશે. જયારે ચોથા વર્ષનો ઓનર્સ/ઓનર્સ વિથ રીસર્ચ પ્રોગ્રામ (લેવલ-૦૬) શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ થશે.
મંત્રીએ કહ્યુ કે, અત્યારે કોલેજ/ યુનિવર્સિટીઓમાં વિષયનાં જે માળખાં છે, તે વિદ્યાર્થીને નિયત સ્વરૂપમાં જ પસંદગી આપે છે, નવી શિક્ષણનીતિમાં આ મર્યાદાઓ દૂર થાય છે અને વિદ્યાર્થી પોતાની પસંદગી અનુસાર વિવિધ વિષયો નિયત બાસ્કેટમાંથી કે અન્ય યુનિવર્સિટીના વિષયોના બાસ્કેટમાંથી પસંદગી કરી શકશે. એટલું જ નહિ, કોઈપણ વિદ્યાર્થી એન્ટ્રી/ એક્ઝીટ દરમિયાન અભ્યાસના પ્રથમ વર્ષને અંતે નિયત ક્રેડીટ/ સ્કિલના આધારે સર્ટીફિકેટ, બીજા વર્ષને અંતે ડીપ્લોમા પ્રાપ્ત કરી સંજોગો અનુસાર રોજગારી માટે જઈ શકશે અને ફરી નિયત સમય મર્યાદામાં પુનઃ અભ્યાસ માટે પરત આવી શકશે.
(PHOTO-FILE)