- શિવતત્ત્વના વિવિધ પરિમાણો પર બે દિવસ સુધી રાષ્ટ્રીય સ્તરે ગહન મંથન
- “શ્રાવણે શિવસપર્યા” સંગોષ્ઠીથી સંશોધન અને ભારતીય જ્ઞાનપરંપરાને નવી દિશા
વેરાવળ, તા. 20 ઓગસ્ટ, 2026 – શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત “શ્રાવણે શિવસપર્યા” વિષય પર તા. 17 અને 18 ઓગસ્ટ, 2026 દરમિયાન આયોજિત દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન સત્ર તા. 18 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 4:00 કલાકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યોજાયું.
શ્રાવણ માસની પવિત્રતા અને ભગવાન શિવની આરાધનાના આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મહત્ત્વને કેન્દ્રમાં રાખીને આયોજિત આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકો અને સંસ્કૃતપ્રેમીઓએ સહભાગી બની શિવતત્ત્વના વિવિધ પરિમાણો અંગે શાસ્ત્રીય અને સંશોધનાત્મક વિચાર વિમર્શ કર્યો.

”विश्वविद्यालयवैभवम्”
સમાપન સમારોહની અધ્યક્ષતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિએ કરી. તેમણે કહ્યું કે, તેમણે કહ્યું કે આ યુનિવર્સિટી સોમનાથ ભગવાનના સાનિધ્યમાં સ્થાપિત છે તે વિશેષતા છે. યુનિવર્સિટીની સ્થાપના કાળથી 20 વર્ષની શિક્ષણ, સ્વાધ્યાય, પ્રશિક્ષણ, સંશોધન અને પ્રકાશન યાત્રા એટલે ”विश्वविद्यालयवैभवम्”નું વિમોચન. અહીંના વિદ્યાર્થીઓ, શોધાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને અધિકારીઓ પૂર્ણરૂપે કુશળ છે, જે તેની વૈભવ અને શાસ્ત્ર પરંપરા દર્શાવે છે. અહીં સ્થાપનાકાળથી ઉત્ત્કૃષ્ટ પ્રકાશન, ઉત્તમ નાગરિક નિર્માણ અને પ્રબંધન પરંપરા રહી છે.
સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટી, હરિદ્વાર, ઉત્તરાખંડના કુલપતિ પ્રો. રમાકાંત પાંડે ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રસંગોચિત ઉદ્બોધનમાં કહ્યું કે આ સંગોષ્ઠી (સેમિનાર) સાચા અર્થમાં સફળ રહી કારણ કે પ્રત્યેક સંશોધકો સંપૂર્ણ રીતે શોધલેખ લખીને, પ્રસ્તુત કરીને અહીં પોતાના શોધલેખો જમા કરાવતા હતા. ભારતીય શિવપરંપરામાં વિવિધતા જોવા મળે છે. સફળ આયોજન બદલ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યોં.
વિશિષ્ટ અતિથિ તરીકે સંસ્કૃત વિભાગ, નવલકિશોર શર્મા યુનિવર્સિટી, નાલંદા, બિહારના પ્રો. વિજય કુમાર કર્ણ ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે આ સંગોષ્ઠી (સેમિનાર)ના આયોજનથી તમામ વિદ્યાર્થીઓ અને શોધાર્થીઓએ ભગવાન શિવના અધ્યયનથી ઘણા ગુણ અને આદર્શો શીખવા જોઇએ.

આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે શ્રીમતી પી.એન. આર.એસ. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલિતાણાના પ્રધાનાચાર્ય ડૉ. પંકજ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે આ નિરંતર ચાલનારી શિવતત્ત્વ વિષયક સંગોષ્ઠી બની રહી. સુંદર આયોજન બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા.
સારસ્વત અતિથિ તરીકે હિંદુ અધ્યયન વિભાગ, મહર્ષિ વાલ્મીકિ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, કૈથલ, હરિયાણાના ડૉ. હરીશ કુમાર ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે આદિ જ્યોતિલિંગ સોમનાથના શ્રાવણ માસમાં દર્શન કરવાનો અને એમના વિશે બોલવાનો અવસર એટલે મારા જીવનની શ્રાવણે શિવસપર્યા.
સમાપન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોએ દ્વિ-દિવસીય સંગોષ્ઠીના વિવિધ સત્રોમાં થયેલા શાસ્ત્રીય વિચારવિમર્શ, સંશોધનપત્રોની રજૂઆત અને વિદ્વાનોના યોગદાનને બિરદાવ્યું. શિવતત્ત્વ જેવા વ્યાપક વિષયને કેન્દ્રમાં રાખીને આયોજિત આ સંગોષ્ઠી દ્વારા ભારતીય જ્ઞાનપરંપરા, શૈવદર્શન, સંસ્કૃત વાઙ્મય અને સોમનાથની સાંસ્કૃતિક પરંપરાના વિવિધ પાસાંઓને નવી દૃષ્ટિએ સમજવાનો અવસર પ્રાપ્ત થયો હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું.
શિવતત્ત્વના વિવિધ પરિમાણો પર બે દિવસ સુધી મંથન
સંગોષ્ઠી દરમિયાન શિવસ્તોત્ર સાહિત્યમાં શિવસ્વરૂપ અને શિવભક્તિ, સંસ્કૃત વાઙ્મય તથા સ્તોત્ર સાહિત્યમાં શિવતત્ત્વ, શ્રાવણમાં શિવ આરાધના, વેદો તથા શૈવ આગમમાં શિવતત્ત્વ, શૈવ સાહિત્ય અને યોગ, શૈવ સાહિત્યમાં વિજ્ઞાન, ગુજરાતના લોકજીવન અને સ્થાપત્યકલામાં શિવ આરાધના, ભારતીય જ્ઞાનપરંપરામાં શિવ સાહિત્યનું યોગદાન તથા પ્રભાસક્ષેત્ર અને શિવ આરાધના જેવા વિવિધ વિષયો પર સંશોધનાત્મક રજૂઆતો અને ચર્ચાઓ યોજાઈ.
આ ઉપરાંત ચોસઠ કલાઓમાં શિવતત્ત્વ, પ્રાચીન શસ્ત્રવિદ્યાઓમાં શિવતત્ત્વ, સોમનાથ મંદિરની શહીદગાથા અને ઐતિહાસિક દસ્તાવેજોના સંદર્ભમાં સોમનાથની ભવ્યતા તથા દ્વાદશ જ્યોતિર્લિંગ કથામાં ભક્તિસ્વરૂપ જેવા વિષયો પર પણ વિદ્વાનો દ્વારા પોતાના સંશોધનાત્મક અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા.
સંશોધન અને ભારતીય જ્ઞાનપરંપરાને નવી દિશા
“શ્રાવણે શિવસપર્યા” રાષ્ટ્રીય સંગોષ્ઠીએ શિવતત્ત્વને માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નહીં, પરંતુ શાસ્ત્રીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, વૈજ્ઞાનિક, કલા અને સ્થાપત્યના વિવિધ પરિપ્રેક્ષ્યમાં સમજવાનો અવસર પૂરો પાડ્યો. વિવિધ વિષયોના નિષ્ણાતો અને સંશોધકોના સહભાગથી શૈવ પરંપરા તથા ભારતીય જ્ઞાનપરંપરાના અભ્યાસ અને સંશોધનને નવી દિશા મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
સમાપન પ્રસંગે સંગોષ્ઠીના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ વિદ્વાનો, સંશોધકો, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સહયોગીઓ પ્રત્યે અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ આભાર વ્યક્ત કર્યો. શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા આયોજિત આ દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી સોમનાથની પવિત્ર ભૂમિ પર શાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃતિના સુંદર સમન્વયરૂપે સંપન્ન થઈ.
આયોજનમાં મહત્વપૂર્ણ સહભાગિતા
સંગોષ્ઠીના તથા પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયાના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. તેમણે મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને વૃત્તકથન પ્રસ્તુત કર્યું. માર્ગદર્શક તરીકે પ્રો. વિનોદ કુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યાં. સંગોષ્ઠીના સંયોજક ડૉ. મંગલવર્ધનદાસ સાધુ અને સહ-સંયોજક શ્રી ભાવિનકુમાર કે. પંડ્યાએ ઉત્તમ સેવા બજાવી.
સોમનાથની પાવન ભૂમિ પર આયોજિત “શ્રાવણે શિવસપર્યા” રાષ્ટ્રીય સંગોષ્ઠીએ શિવતત્ત્વના ગહન અધ્યયન સાથે ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધન અને સંશોધન માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક મંચ પૂરું પાડ્યું છે. આ સંગોષ્ઠીમાં ૧૫૦ જેટલાં રજીસ્ટ્રેશન નોંધાયાં. સમાપન સમારોહ સફળ સંચાલન આ સંગોષ્ઠીના સહ-સંયોજક શ્રી ભાવિનકુમાર કે. પંડ્યા, શોધ સહાયક, પ્રાચ્યવિદ્યા સંશોધન અને પ્રશિક્સણ કેંદ્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળે કર્યું.


