Homeગુજરાતીદેશ-વિદેશશાહી મસ્જિદના નિર્માણ મુદ્દે તંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચે સહમતિ, પ્રભાવિત હિસ્સાને...

શાહી મસ્જિદના નિર્માણ મુદ્દે તંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચે સહમતિ, પ્રભાવિત હિસ્સાને હટાવવાની કામગીરી શરૂ કરાઈ

ઉજ્જૈન, 29 સપ્ટેમ્બર 2026: ઉજ્જૈનમાં યોજાનારા ‘સિંહસ્થ 2028’ કુંભમેળાને ધ્યાનમાં રાખીને શહેરના માર્ગો અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે રસ્તા પહોળા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ વિકાસ યોજના અંતર્ગત કંઠાલથી ગોપાલ મંદિર માર્ગ પર આવેલી ઐતિહાસિક શાહી મસ્જિદના પ્રભાવિત હિસ્સાને સ્વેચ્છાએ હટાવવાની કામગીરી મંગળવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે. તંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચે બનેલી સહમતી બાદ કમિટીના સભ્યો અને મુસ્લિમ સમાજના લોકો પોતે જ નિર્માણ હટાવવાના કાર્યમાં જોડાયા છે.

માર્ગ પહોળો કરવાની કામગીરી વિના વિઘ્ને પૂર્ણ થાય તે માટે મસ્જિદના નીચેના ભાગે ચાલતી આશરે 8 થી 10 દુકાનોને સોમવારે મોડી રાત્રે જ ખાલી કરાવી લેવામાં આવી હતી. મસ્જિદ પ્રબંધન સાથે સંકળાયેલી કમિટી અને સ્થાનિક પ્રશાસન વચ્ચે થયેલી ચર્ચા મુજબ, સમાજના લોકો દ્વારા સ્વેચ્છાએ પ્રભાવિત બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અગાઉ, સોશિયલ મીડિયા પર શાહી મસ્જિદને લઈને કેટલાક ભ્રામક વીડિયો અને રીલ્સ વાયરલ થતાં સોમવારે સ્થિતિ તંગ બની હતી. અફવા ફેલાવવામાં આવી હતી કે પ્રશાસન બુલડોઝરથી મસ્જિદ તોડી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં કમિટીની સંમતિથી સ્વેચ્છાએ કામગીરી થઈ રહી હતી. અફવાઓને કારણે બનેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસે હળવો બળપ્રયોગ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

  • 15 લોકોની ધરપકડ, 5 ઈન્ફ્લુઅન્સર્સ સામે કેસ

સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવવા બદલ પોલીસે 5 સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ સામે ખારાકુઆં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, પથ્થરમારા અને શાંતિ ભંગ કરવાના કેસમાં 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉજ્જૈનના કલેક્ટર રોશન કુમાર સિંહે જણાવ્યું હતું કે, રોડ વાઇડનિંગ માટે મસ્જિદ કમિટી અને સ્થાનિક સમાજના લોકોએ સંમતિ દર્શાવીને પોતે જ બાંધકામ હટાવવાની પહેલ કરી છે. તેમણે નાગરિકોને સોશિયલ મીડિયા પર ચાલતી કોઈ પણ ભ્રામક ખબર કે અફવા પર વિશ્વાસ ના કરવા અપીલ કરી છે. હાલમાં કંઠાલથી ગોપાલ મંદિર માર્ગ પહોળો કરવાનું કામ આગળ વધી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular