1. Home
  2. ગુજરાતી
  3. સતત વરસાદથી માયાનગરી મુંબઈ પાણી-પાણી, જનજીવન ખોરવાયું
સતત વરસાદથી માયાનગરી મુંબઈ પાણી-પાણી, જનજીવન ખોરવાયું

સતત વરસાદથી માયાનગરી મુંબઈ પાણી-પાણી, જનજીવન ખોરવાયું

0
Social Share

મુંબઈ, 24 જૂન 2026: મુંબઈમાં ચોમાસાએ હવે સત્તાવાર રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા 2 દિવસથી માયાનગરીમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદની સીધી અસર મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવા અને માર્ગ વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે. મંગળવારે રાતથી જ ટ્રાન્સ-હાર્બર રેલ માર્ગ પર ટ્રેનોની અવરજવરને માઠી અસર પહોંચી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.

રેલવે પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે કોપરખૈરણ અને તુર્ભે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકની નીચે આવેલી માટી ધોવાઈ ગઈ હતી. ટ્રેક નીચેનો હિસ્સો નબળો પડી જતાં અકસ્માતની આશંકાને પગલે રેલવે પ્રશાસને તકેદારીના ભાગરૂપે બંને દિશાની ટ્રેન સેવાઓ તાત્કાલિક ધોરણે રોકી દીધી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી માટે હાલ વૈકલ્પિક વાહનવ્યવહારના સાધનોનો ઉપયોગ કરે. બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મંગળવારે રાત્રે થયેલા અતિભારે વરસાદ બાદ સાયન હાઇવે નજીક આવેલા એવરાર્ડ નગર સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ ફૂટપાથ ધસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, બીએમસીએ દાવો કર્યો છે કે શહેરના મોટાભાગના મુખ્ય સબવે કાર્યરત છે અને પરિસ્થિતિ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.

BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારે મુંબઈ શહેરમાં સરેરાશ 56 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વીય ઉપનગરોમાં 23મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 33 મીમી વરસાદ રેકોર્ડ થયો છે. રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે ઉપનગરોમાં હળવો વરસાદ હતો, પરંતુ પશ્ચિમી વિસ્તારોમાં સારો વરસાદ તૂટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ કાંદિવલીના ચારકોપ સેક્ટર-1 મ્યુનિસિપલ સ્કૂલ વિસ્તારમાં 32 મીમી નોંધાયો હતો. આ ઉપરાંત મલાડમાં 28 મીમી, ગજધરબાંધ પમ્પિંગ સ્ટેશ વિસ્તારમાં 26 મીમી, જુહુ ડિસ્પેન્સરી વિસ્તારમાં 22 મીમી અને સાંતાક્રુઝમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો.

  • આકાશી આફત વચ્ચે ગરમીથી રાહત, 24 કલાક ભારે

સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈગરાંને અસહ્ય ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે બીએમસી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય આપત્તિજનક એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code