
કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે
દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબ સરકારે તા. 2 ઓગસ્ટથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન લુધિયાણાની બે સ્કૂલમાં 20 વિદ્યાર્થીઓ અ હોશિયારપુરની એક સ્કૂલના 6 વિદ્યાર્થીઓ કોવિડ સંક્રમિત થયાં હતા. જેથી તંત્ર દોડતું થઈ ગયું હતું. કોરોના વાયરસ મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતા પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને નિર્દેશ આપ્યો કે રાજ્યની સ્કૂલમાં ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે. તેમજ સંપૂર્ણપણે રસીકરણ કરાવી ચૂકેલા કર્મચારીઓને જ સ્કૂલ આવવાની પરવાનગી આપવામાં આવે.
સંલગ્ન વિભાગોને આરટી-પીસીઆરના નમૂનાની તપાસની સંખ્યા વધારવાનો નિર્દેશ આપતા મહાજને કહ્યુ કે રાજ્યમાં રોજના 40 હજાર નમૂનાઓની તપાસનુ લક્ષ્ય છે.જે ચોક્કસથી પૂર્ણ કરી લેવામાં આવશે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તહેવારો પહેલા સંક્રમણના દર પર તેઓ નજર રાખે કારણ કે કોવિડ-19ના કેસમાં થતી વૃધ્ધિ રોકવા માટે સતર્કતા રાખવી ખૂબ જ જરુરી છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.