અમદાવાદઃ ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં મોટા પાયે માછીમારોનો વ્યવસાય કરવામાં આવે છે. તેમજ વેરાવળમાંથી સૌથી વધારે સી-ફુડ ચીનમાં નિકાસ કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે સૌરાષ્ટ્રના ફિશ એક્સપોર્ટરોના રૂ. 100 કરોડથી વધારેની રકમ ચીન પાસેથી લેવાના નીકળે છે. આ અંગે ચીન સ્થિત ભારતીય દૂતાવાસને રજૂઆત કરવા છતાં પણ ચીન તરફથી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવતા નથી. જેથી ફિશ એક્સપોર્ટરોની હાલક કફોડી બની છે. ચીન રૂ. 100 કરોડથી વધારેની રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરતું હોવાના આક્ષેપ કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની નજીક આવેલા દીવમાં તાજેતરમાં જ સી ફુડ એક્સપોર્ટરોની મિટીંગ યોજાઇ હતી. જેમાં નવા પ્રમુખની વરણી સાથે ચીન સાથેનાં વેપાર અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લાનેક મત્સ્યોદ્યોગ માટેનું હબ માનવામાં આવે છે, પરંતુ છેલ્લાં 3 વર્ષથી માછીમારો અને ફિશ એક્સ્પોર્ટરોની હાલત કફોડી બની છે. કોરોનાને કારણે ચીન પાસે 100 કરોડથી વધુની રકમનું લેણું બાકી છે. આ અંગે અનેકવાર મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટર્સ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચીન સ્થિત ભારતીય દૂતાવાસને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ ચીન તરફથી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવતો નહીં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ફિશ સપ્લાયરોએ એક્સપોર્ટરો પાસેથી બાકી રકમની ઉઘરાણી શરૂ કરી છે. ફિશ સપ્લાયરોએ અને એક્સપોર્ટરો વચ્ચેની તકરાર પોલીસ મથક સુધી પહોંચી હતી
સી-ફૂડ એક્સપોર્ટ એસો.ના પ્રમુખના જણાવ્યા અનુસાર વેરાવળ જીઆઇડીસીમાં ફિશના 105 યુનિટ છે. જેમાંથી લગભગ 70 ટકા જેટલા યુનિટનો માલ ચીન જાય છે. જ્યારે માત્ર 30 ટકા માલ અન્ય દેશોમાં જાય છે. સામાન્ય રીતે જે એક્સપોર્ટરો પાસે પૈસાની સગવડતા હોય છે. તેઓ એ પેમેન્ટ સ્થાનિક ફિશ સપ્લાયરોને કરી આપે છે. જ્યારે બીજા સપ્લાયરોના પૈસા કંપની પાસે બાકી છે.

