
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાંઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં જરૂરી નિયણંત્રો મુકવામાં આવ્યાં છે. જો કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરીને પ્રજાને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.
રાજકોટમાં ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ ઉપરાંત મેયરના બંગલે ભાજપના નેતાઓ અને કાર્યકરોની બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના નેતાઓ-કાર્યકરો અને પ્રજાને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને લઈને સરકાર ચિંતિત છે. પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જેથી કોઈ વધારાના નિયત્રંણો નાખવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે, માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોના પાલન માટે પોલીસ કડકાઈથી વર્તન નહીં પરંતુ પોલીસ દંડ કરે તે પહેલા જ લોકોએ નિયમોનું પાલન કરવું જોઈએ. હાલમાં કોરોનાને લઇને કોઇ ખાસ નિયંત્રણો નાખવાની જરુરિયાત લાગતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રોડ-શોમાં માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનો ભંગ થયો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.