Site icon Revoi.in

ભાવનગરના કાળિયાબીડમાં વોકિંગ કરી રહેલા દલિત દંપત્તી પર હુમલો

Social Share

ભાવનગર, 19 એપ્રિલ 2026Dalit couple attacked while walking  શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક દલિત દંપતી વોકિંગ કરવા નિકળ્યા ત્યારે  ત્રણ શખ્સોએ હુમલો કરી, જ્ઞાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નિલમબાગ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પ્રગતિબેન હિમાંશુભાઈ શાહ ગત 16/04/2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેમના પતિ હિમાંશુભાઈ સાથે શાંતિનગરના નાકા પાસે ફૂટપાથ પર બેઠા હતા. આ દરમિયાન એક મહિલા અને બે પુરુષો ત્યાં આવ્યા હતા અને “અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો?” તેમ કહી તકરાર શરૂ કરી હતી. જ્યારે દંપતીએ પોતાની જ્ઞાતિ ‘વણકર’ હોવાનું જણાવ્યું, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. વાત આટલેથી ન અટકતા, આરોપીઓએ હિમાંશુભાઈને ગાલ પર લાફા ઝીંકી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપી પૈકીના એક શખસે સિમેન્ટનો બ્લોક મારવાનો પ્રયાસ કરી નાક પર ઈજા પહોંચાડી હતી. સાથે રહેલી મહિલા આરોપીએ પણ પ્રગતિબેન સાથે ઝઘડો કરી, તેમને નીચે પછાડી દઈ માર મારવામાં આવ્યો હતો.આરોપીઓએ એવી ધમકી પણ આપી હતી કે, આ દરબારનો વિસ્તાર છે, અહીં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું. ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અને ત્યાં ફરીથી “હજુ સમજી જજે, નહિતર અહીં રહેવું મુશ્કેલ થઈ જશે” તેવી ધમકી આપી હતી.

દરમિયાન મિત્રની મદદથી તપાસ કરતા હુમલો કરનાર શખ્સોના નામ પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા હોવાનું ખુલ્યું હતું. નીલમબાગ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ BNS ની કલમ 115(2), 351(2), 351(3), 54 તથા એટ્રોસિટી એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version