1. Home
  2. Agency
  3. News
  4. નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ
નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

0
Social Share

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં જ કહ્યું, “હું પૂછવા માંગુ છું કે 75 વર્ષમાંથી 60 વર્ષ તો શાસન તમે (કોંગ્રેસ) કર્યું, તો આદિવાસીઓ અત્યાર સુધી વિકાસથી વંચિત કેમ રહ્યા? આદિવાસીઓનો વિકાસ તો હવે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. 60 વર્ષ તમે તેમને ઘર ન આપ્યું, પાણી ન આપ્યું, શાળા ન બનાવી, બેંકની સુવિધા ન પહોંચવા દીધી, તેથી પહેલા પોતાની અંદર ઝાંખીને જુઓ કે દોષિત કોણ છે.”

“કેટલા હિડમા મારશો…” સૂત્રોચ્ચાર પર નિશાન

નક્સલી હિડમા ઠાર મરાયા બાદ ઈન્ડિયા ગેટ પર થયેલા સૂત્રોચ્ચાર અંગે અમિત શાહે કહ્યું, “ઘણા જવાનોની હત્યાના આરોપી હિડમાના માર્યા ગયા પછી ઈન્ડિયા ગેટ પર નારા લાગ્યા – ‘કેટલા હિડમા મારશો, દરેક ઘરમાંથી હિડમા નીકળશે.’ રાહુલ ગાંધીએ પોતે આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ લોકો કેવી રીતે બચી શકે? તેમણે 1970 થી લઈને માર્ચ 2026 સુધી નક્સલવાદ અને આ પ્રકારની હિંસાનું સમર્થન કર્યું છે.”

રાહુલ ગાંધી ઘણીવાર નક્સલવાદીઓના સમર્થકો સાથે જોવા મળ્યા

ગૃહ મંત્રીએ આગળ કહ્યું કે રાહુલ ગાંધી તેમની રાજકીય કારકિર્દીમાં ઘણી વખત નક્સલીઓ અને તેમના સમર્થકો સાથે જોવા મળ્યા છે. ભારત જોડો યાત્રામાં અનેક નક્સલી હેન્ડલ્સ અને સંગઠનોએ ભાગ લીધો હતો. 2010 માં ઓડિશામાં લાડો સિકોકા સાથે મંચ શેર કર્યો હતો, જ્યાં સિકોકાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને રાહુલ ગાંધીને હાર પહેરાવ્યો હતો. 2018 માં હૈદરાબાદમાં ગુમ્માડી વિઠ્ઠલ રાવ ઉર્ફે ‘ગદ્દાર’ સાથે મુલાકાત કરી હતી, જેઓ આ વિચારધારાની નજીક માનવામાં આવે છે.

મનમોહન સિંહ સરકારની NAC સમિતિ પર પ્રહાર

UPA સરકારના સમયમાં બનેલી એડવાઈઝરી કાઉન્સિલનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું, મનમોહન સિંહની સરકારમાં એક NAC (નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ) બનાવવામાં આવી હતી. આ એક એવી કાઉન્સિલ હતી જેને બંધારણથી પર (એક્સ્ટ્રા-કોન્સ્ટિટ્યુશનલ) ફોરમ તરીકે ઉભી કરવામાં આવી હતી. આ ફોરમમાં સોનિયા ગાંધી અધ્યક્ષ હતા અને હર્ષ મંદર તેના સભ્ય હતા. તેમના NGO અમન વેદિકામાં એક નક્સલી નેતાની પત્નીને જવાબદારી આપવામાં આવી હતી, અને રેકોર્ડમાં આ વાત નોંધાયેલી છે કે તે એવા નક્સલીઓમાં સામેલ હતી જેમણે શહેરી વિસ્તારોમાં અપહરણ જેવા ગુનાઓમાં ભાગ લીધો હતો.

હર્ષ મંદર અને તેમના NGO નો ઉલ્લેખ કરી અમિત શાહે કહ્યું- જ્યારે દેશની સર્વોચ્ચ સત્તા પર આવી કોઈ ઓથોરિટી બેસાડવામાં આવે અને તેના સભ્યો નક્સલવાદના સમર્થક હોય, તો નક્સલીઓનો ઉત્સાહ કેવી રીતે તૂટશે? આ બધું કોંગ્રેસ પક્ષના સમયમાં થયું હતું.

અમિત શાહે પૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમના નિવેદનનો હવાલો આપીને પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું- વર્ષ 2010 માં ગૃહ મંત્રી પી. ચિદમ્બરમજીએ એક નિવેદન આપ્યું હતું. છત્તીસગઢમાં એક સાથે અનેક જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. ત્યાં નૃત્ય કરવામાં આવ્યું, સુરક્ષાકર્મીઓના અવસાન પર જશ્ન મનાવવામાં આવ્યો અને જમીન પર ભારતનો તિરંગો બિછાવીને પગ નીચે રાખવામાં આવ્યો.

અમિત શાહે કહ્યું કે 76 જવાનોના મૃત્યુ પછી પી. ચિદમ્બરમે નક્સલીઓને કહ્યું હતું કે અમે તમને હથિયાર નીચે મૂકવા માટે કહી શકીએ નહીં, કારણ કે અમે જાણીએ છીએ કે તમે એવું કરશો નહીં અને તમે સશસ્ત્ર સંઘર્ષમાં વિશ્વાસ કરો છો. તેમના શાસનમાં દેશ આ રીતે ચાલતો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code