HomeAgency Newsજંતરમંતર મારામારી કેસમાં સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે અટકાયત કરી

જંતરમંતર મારામારી કેસમાં સ્વતંત્ર ભારદ્વાજની દિલ્હી પોલીસે અટકાયત કરી

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર, 2026 –  દિલ્હીમાં જંતરમંતર ઉપર વંદાઓના આંદોલન દરમિયાન મારામારીના એક કેસમાં જાતિવાદી એંગલ હાવી થઈ ગયો છે જેને પગલે આ ઘટનામાં સંડોવાયેલા સ્વતંત્ર ભારદ્વાજની અટકાયત કરવામાં આવી છે. અહેવાલ અનુસાર નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કરનારા આરોપી સ્વતંત્ર ભારદ્વાજને ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી 4 સપ્ટેમ્બર, શુક્રવારે અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસ આરોપીને બુલંદશહેર સ્થિત ચોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ રીતે સકંજામાં આવ્યો આરોપી

ભારદ્વાજ દ્વારા એક પોડકાસ્ટમાં સંજય કુમાર પર હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વંદાઓની કોકરોચ જનતા પાર્ટી, કોંગ્રેસ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના નેતાઓ સક્રિય થઈ ગયા હતા.

આ અગાઉ આજે સવારે CJPમાંથી આશુતોષ રાંકા, સૌરવ દાસ, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાંથી વિનોદ જાખડ, નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ સહિતના તમામ નેતાઓ અને કાર્યકરો દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તમામ લોકોએ એકસૂરે ભારદ્વાજ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, CJP ના આંદોલનના શરૂઆતી તબક્કામાં 23 જૂને સંજય કુમારને ઈજા પહોંચી હતી. તેમની પુત્રી નિશુ આઝાદનો દાવો છે કે તેમના પિતા સાથે થયેલી આ ઘટના સંદર્ભે એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો નહોતો. આઝાદનો એવો પણ આક્ષેપ છે કે મામલામાં ઈરાદાપૂર્વક હળવી કલમો લગાવવામાં આવી હતી.

ગઈકાલે 3 સપ્ટેમ્બરે જ્યારે સ્વતંત્ર ભારદ્વાજનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તે નિશુ આઝાદના પિતા સંજયને કડાથી માર મારવા, 60 ટાંકા આવવા અને ત્યારબાદ એક ફોન કોલ પર જેલમાંથી બહાર આવી જવાનો દાવો કરી રહ્યો હતો, ત્યારપછી CJP અને અન્ય રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા હતા.

વીડિયો વાયરલ થયા બાદ નિશુ આઝાદે પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લેતાં કહ્યું હતું કે હજુ સુધી ન્યાય મળ્યો નથી અને માત્ર તેમના તરફથી જ ન્યાયની આશા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular