Site icon Revoi.in

વઢવાણમાં શિયાણી પોળમાં આવેલી વર્ષો જુની શાક માર્કેટનું ડિમોલિશન, નવી બનાવાશે

Social Share

વઢવાણ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. વઢવાણમાં હાલ એક લાખ જેટલી વસતી છે. અને શિયાણીની પોળમાં એક જ શાકમાર્કેટ આવેલી છે. જે વર્ષો જુની છે, અને તેનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શિળાણીની પોળની જર્જરિત શાક માર્કેટને જમીન દોસ્ત કરી છે. અને આજ સ્થળે આગામી સમયમાં નવી શાક માર્કેટ બનાવાશે. બીજી તરફ નવી શાક માર્કેટ બને ત્યાં સુધી શાકભાજીના થડાધારકો માટે પાંજરાપોળ પાસે, ગંગા વાવ પાસે, ધોળીપોળ પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

વઢવાણના શિયાણીની પોળમાં આવેલી વર્ષો જુની શાકમાર્કેટ દરવાજાની બહાર અને દરવાજાની વચ્ચે આવી ગઇ હતી. શહેરની ગૃહિણીઓ શાકભાજી ખરીદવા શાકમાર્કેટની અંદર જતી જ નથી.મોટાભાગે બહારથી શાકભાજીની ખરીદી કરવામાં આવતી હતી. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જર્જરિત શાક માર્કેટને નવી બનાવવાનો નિર્ણય લીધો છે. વઢવાણની જૂની જર્જરિત શાક માર્કેટ બુધવારે સવારે તોડવાની શરૂઆત કરી હતી જે સાંજ સુધીમાં 100થી વધુ થડા જમીન દોસ્ત કરી દેવાયા હતા.

સ્થાનિક મહિલાઓના કહેવા મુજબ શાકમાર્કેટમાં વ્યવસ્થિત સ્ટોર કે દુકાનો નથી. અંબાજી મંદિર આસપાસ રખડતા ઢોરોનો ત્રાસ છે. શાકમાર્કેટની અંદર કોઇ જતું નથી. તેથી નવી શાકમાર્કેટની ખાસ જરૂર છે. 25 વર્ષથી નવી શાકમાર્કેટના સમાચારો સાંભળીએ છીએ પણ બનતી નથી. જો નવી શાકમાર્કેટ બનાવવામાં આવે તો ટ્રાફીકજામ, ગંદકી, અકસ્માતના બનાવોમાંથી મુક્તિ મળે તેમ છે.

Exit mobile version