![ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી](https://www.revoi.in/wp-content/uploads/2023/05/PM-MODI-1.png)
ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા વધુ વધે છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો લગભગ 40 ટકા હતો પરંતુ આજે તે ઘટીને માત્ર 3 ટકા થયો છે. ગુજરાતના શિક્ષકોના સહકારથી જ આ શક્ય બન્યું છે.
પીએમ મોદીએ ગિફ્ટ સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કરતા જણાવ્યું કે, ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. જેમાં શિક્ષકોની મોટી ભૂમિકા છે. રાજ્યમાં એક સમયે આદિવાસી બેલ્ટ ઉમરગામથી અંબાજી સુધી સાયન્સ સ્ટ્રીમની એક પણ શાળા ન હતી. હું ગર્વથી કહું છું એક આજીવન વિદ્યાર્થી છું. મે તમારી પાસેથી વસ્તુઓને બારીકાઇથી નિરીક્ષણ કરતા શીખ્યો છું. 21 સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષક અને વિધાર્થી બદલાઈ રહ્યા છે. તેમાં તેવી રીતે આગળ વધી શકાય તે પણ વિચારવાનું છે. આજે શિક્ષકો સામે સંસાધનોનો પડકાર દૂર થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓની આજની પેઢીની જિજ્ઞાસા શિક્ષકો માટે પડકાર બની ગઈ છે. આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે, તેઓ નિર્ભય છે. તેમની જિજ્ઞાસા શિક્ષકોને પડકાર આપે છે.
ગુજરાતની મુલાકાતમાં પીએમ મોદી ગુજરાતમાં 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 19,000 લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ કુલ રૂ. 1,950 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ત્યાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરશે.