Site icon Revoi.in

રાજકોટમાં ડિમોલિશન વખતે અધિકારીઓએ ચા-નાસ્તા, ભોજનનો 27 લાખનો ખર્ચ કર્યો

Social Share

રાજકોટ, 24 જુન 2026 : RMC spent Rs 27 lakh on tea, snacks and food during demolition શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધર્યુ હતું. એક સપ્તાહ સુધી ચાલેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહીમાં મ્યુનિના કર્મચારીઓ-અધિકારીઓ તથા બંદોબસ્ત માટે પોલીસ અને એસઆરપીના જવાનોની મદદ લેવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ સપ્તાહ સુધી ચા, કોફી, બિસ્કિટ, કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી પૌઆ, બ્રેક ફાસ્ટ, સ્પેશ્યલ લંચ ડીસ અને મસાલા છાશની મીજબાની માણી હતી. જેનો રૂ.27 લાખનો ખર્ચ થયો હતો. આ ખર્ચની મંજુરી માટે મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી સુધી શહેરના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી ચાલેલા મેગા ડિમોલિશનમાં મેન પાવર અને મશીન પાવરનો ભરપૂર ઉપયોગ કરાયો હતો, ત્યારે બીજી તરફ મ્યુનિના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ  પોલીસ સ્ટાફ સહિતના ફરજ પરના કર્મચારીઓ માટે ચા કોફીથી માંડીને સ્પેશ્યલ લંચ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ખર્ચ મંજૂર કરવો કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કરાયેલા ચા-પાણી નાસ્તા અને ભોજનના લાખો રૂપિયાના ખર્ચને લીધે વિવાદ ઊભો થયો છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.

Exit mobile version