1. Home
  2. ગુજરાતી
  3. તમિલનાડુ ચૂંટણીમાં વિદેશી નાગરિકોના બોગસ વોટિંગ મુદ્દે ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ
તમિલનાડુ ચૂંટણીમાં વિદેશી નાગરિકોના બોગસ વોટિંગ મુદ્દે ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

તમિલનાડુ ચૂંટણીમાં વિદેશી નાગરિકોના બોગસ વોટિંગ મુદ્દે ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

0
Social Share

ચેન્નાઈ, 16 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિદેશી નાગરિકો દ્વારા કથિત રીતે નકલી દસ્તાવેજોના આધારે મતદાન કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ ગંભીર મામલાની નોંધ લેતા ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જાહેર કર્યા છે. પોલીસ દ્વારા સોંપવામાં આવેલા ચોંકાવનારા અહેવાલ બાદ ચૂંટણી પંચે આ આકરૂં વલણ અપનાવ્યું છે.

ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે મતદાન કરવાના આરોપમાં કુલ 10 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સામે નવ અલગ-અલગ ગુના દાખલ કરાયા છે. આ આરોપીઓ જ્યારે દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા, ત્યારે ચેન્નાઈ અને મદુરાઈ એરપોર્ટ પરથી તેમને ઝડપી લેવાયા હતા. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓને ચેકિંગ દરમિયાન આ શંકાસ્પદ મુસાફરોની ડાબા હાથની આંગળી પર ચૂંટણીની અમીટ શાહી લાગેલી જોવા મળી હતી. વિદેશી પાસપોર્ટ હોવા છતાં આંગળી પર શાહીના નિશાન જોઈને અધિકારીઓને શંકા ગઈ અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પકડાયેલા નાગરિકો શ્રીલંકા, બ્રિટન અને કેનેડાના

પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા નાગરિકો શ્રીલંકા, બ્રિટન અને કેનેડાના છે. આ વિદેશીઓએ ભારતમાં મતદાન કરવા માટે નકલી ભારતીય ઓળખપત્રો અને બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. હાલ આ સમગ્ર કૌભાંડની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તેની ઊંડાણપૂર્વકની તપાસ ચેન્નાઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ચૂંટણી પંચના સત્તાવાર નિયમો અનુસાર, વિદેશમાં રહેતો કોઈપણ વ્યક્તિ તરીકે ત્યારે જ નોંધણી કરાવી શકે છે જ્યારે તે મૂળ ભારતીય નાગરિક હોય અને તેણે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ ન મેળવ્યું હોય. જે લોકોએ સ્વેચ્છાએ કે કાયદાકીય રીતે ભારતની નાગરિકતા છોડી દીધી છે, તેમને દેશમાં મતદાન કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 20A હેઠળ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ચોક્કસપણે મતદાતા તરીકે નોંધણી કરાવી શકે છે. પરંતુ, આવા મતદારોએ જ્યારે મતદાન મથક પર વોટ આપવા જવાનું હોય, ત્યારે ઓળખના પુરાવા તરીકે પોતાનો અસલી અને માન્ય ‘ભારતીય પાસપોર્ટ’ રજૂ કરવો ફરજિયાત છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા બાદ હવે તમિલનાડુના સરહદી વિસ્તારો અને એરપોર્ટ પર સુરક્ષા તેમજ દેખરેખ વધુ કડક કરી દેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code