ચોમાસામાં સાંજની ચા સાથે માણો આ 5 ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા-ગોટાની લિજ્જત, નોંધી લો રેસિપી
રિમઝિમ વરસતો વરસાદ, બારીમાંથી આવતી ઠંડી હવાની લહેરખી અને હાથમાં ગરમાગરમ ચાની ચુસ્કી… આ અહેસાસ જ મનને ખુશ કરી દેવા માટે કાફી છે. પરંતુ, જો આ કડક ચાની સાથે ગરમાગરમ, ક્રિસ્પી ભજીયા (પકોડા) મળી જાય તો ચોમાસાની મજા ચાર ગણી વધી જાય છે. વરસાદની ઋતુ અને ભજીયાનો સંબંધ દાયકાઓ જૂનો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાય એટલે તરત જ કંઈક તીખું અને ચટાકેદાર ખાવાની ઈચ્છા થઈ આવે છે. જો તમે પણ આ ચોમાસામાં તમારી સાંજની ચાને વધુ મજેદાર બનાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ ૫ ઓછી મહેનતમાં અને ખૂબ જ ઝડપથી બની જતા ક્રિસ્પી ભજીયાની સરળ રેસિપી.
એવરગ્રીન ક્રિસ્પી કાંદાના ભજીયા
વરસાદના દિવસોમાં કાંદાના લચ્છેદાર ભજીયા દરેક ઘરની પહેલી પસંદ હોય છે. આ ભજીયા બનાવવા માટે સૌથી પહેલા કાંદાને પાતળા અને લાંબા ટુકડામાં કાપી લો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, લીલા મરચાં, અજમો, ઝીણી સમારેલી કોથમીર અને હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં થોડો ચણાનો લોટ (બેસન) અને ભજીયાને વધુ ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી ચોખાનો લોટ ઉમેરો. ખાસ ધ્યાન રાખવું કે આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી, કારણ કે મીઠું ભળતા જ કાંદા પોતાનું પાણી છોડશે. હવે આ મિશ્રણને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ચા સાથે આ લચ્છેદાર ભજીયા બેસ્ટ કોમ્બિનેશન છે.
સ્પાઈસી બટાકાના ભજીયા (બટાકા વડા/સ્લાઈસ ભજીયા)
બટાકાના ભજીયા એવા છે જે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને ભાવે છે. બનાવવા માટે બટાકાને ધોઈને તેની પાતળી ગોળ સ્લાઈસ (કાતરી) કરી લો. હવે એક વાસણમાં ચણાનો લોટ, થોડું જીરું, લાલ મરચું પાવડર, હિંગ, સ્વાદાનુસાર મીઠું અને પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. બટાકાની સ્લાઈસને આ ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. તેલમાં જતા જ જ્યારે આ ભજીયા પૂરીની જેમ ફૂલે છે, ત્યારે તેને જોતા જ ભૂખ વધી જાય છે. તેને ફુદીનાની તીખી ચટણી સાથે ગરમાગરમ પીરસો.
હેલ્ધી અને ટેસ્ટી પાલકના ગોડા
જો તમે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગતા હોવ, તો પાલકના ભજીયા ઉત્તમ વિકલ્પ છે. પાલકના ગોટા બનાવવા માટે ફ્રેશ પાલકના પાનને બરાબર ધોઈને ઝીણા સમારી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, અધકચરા લાલ મરચાં (ચીલી ફ્લેક્સ), આમચૂર પાવડર અને મીઠું ઉમેરો. હવે સહેજ પાણીનો છંટકાવ કરીને આછું ડ્રાય મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી નાના-નાના ભજીયા બનાવી તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે.
ચીઝી કોર્ન પકોડા
ચોમાસાની સિઝનમાં બજારમાં દેશી તેમજ અમેરિકન મકાઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ વખતે કંઈક નવું ટ્રાય કરવા માટે ચીઝી કોર્ન ભજીયા ઉત્તમ છે. ચીઝ કોર્ન પકોડા બનાવવા માટે સૌપ્રથમ બાફેલા મકાઈના દાણાને મિક્સરમાં સહેજ અધકચરા પીસી લો. હવે તેમાં ચણાનો લોટ, છીણેલું ચીઝ, ઝીણી સમારેલી કેપ્સિકમ, મરી પાવડર અને મીઠું ઉમેરો. આ મિશ્રણમાંથી નાની ટિક્કી અથવા બોલ્સ બનાવી ગરમ તેલમાં ફ્રાય કરો. ગરમાગરમ ભજીયાને જ્યારે તોડશો ત્યારે અંદરથી ઓગળેલું ચીઝ નીકળશે, જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરશે.
ચટાકેદાર બ્રેડ પકોડા
સાંજના સમયે જો જોરદાર ભૂખ લાગી હોય અને હેવી સ્નેક્સ ખાવાની ઈચ્છા હોય, તો બ્રેડ પકોડા બેસ્ટ ઓપ્શન છે. બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકામાં બાફેલા વટાણા, લીલા મરચાં, ગરમ મસાલો, આમચૂર અને મીઠું મિક્સ કરી એક સ્વાદિષ્ટ સ્ટફિંગ તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસ વચ્ચે આ મસાલો ભરીને તેને ત્રિકોણ આકારમાં કાપી લો. આ બ્રેડને ચણાના લોટના ઘટ્ટ ખીરામાં બોળીને મીડિયમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. તેને વચ્ચેથી કાપીને ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરો.


