1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લસણના ગગડી ગયેલા ભાવે ખેડુતોને રડાવ્યાં, 4000 કિલો લસણ મફતમાં ગરીબોને વહેંચી દીધું
લસણના ગગડી ગયેલા ભાવે ખેડુતોને રડાવ્યાં, 4000 કિલો લસણ મફતમાં ગરીબોને વહેંચી દીધું

લસણના ગગડી ગયેલા ભાવે ખેડુતોને રડાવ્યાં, 4000 કિલો લસણ મફતમાં ગરીબોને વહેંચી દીધું

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને લીધે આ વખતે લસણના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. ત્યારે લસણના ભાવ ગગડી જતાં ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત કિસાન સંગઠન દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 4 હજાર કિલો લસણ નિઃશુલ્ક વહેંચીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાતના ખેડૂતોને લસણ સહિત  વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં મળી રહ્યા નથી. ખેડૂતોને લસણના પાકમાં એક મણે જેટલો ઉત્પાદન ખેતી ખર્ચ આવે છે તેટલો ભાવ પણ માર્કેટમાં મળતો નથી. જેથી ગુજરાતના ખેડૂતો લસણનાં પાકને રોડ રસ્તા તેમજ નદી નાળામાં ફેકી દેવા માટે મજબુર બન્યા છે. ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચે અને સરકારની આંખો ખુલે તેવા હેતુંથી ગુજરાત કિશાન સંગઠન દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે અનોખી રીતે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ અંગે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે.પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી ખેડૂત પુત્ર ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત કિશાન સંગઠનની ટીમ અને ખેડૂતો સાથે મળીને ગાંધીનગર ખાતે ગરીબોને 4 હજાર કિલો લસણ મફતમાં વહેંચી અનોખી અને લોક ઉપયોગી રીતે વિરોધ નોંધાવવા એકઠા થયા હતા. ગાંધીનગર ખાતે ગરીબોમાં 4 હજાર કિલો લસણ મફતમાં વહેંચી વિરોધ માટે અવાર-નવાર દૂધ, ફળ, શાકભાજી અને વિવિધ પાકોને રોડ રસ્તા કે નદી નાળામાં ફેંકી દેવાના બદલે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જરૂરિયાત મંદ ગરીબ લોકોને ફ્રીમાં આપી સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવાની આ નવી પ્રથાનો લાભ પાંચમના શુભ દિવસથી શરૂઆત કરી છે. ગુજરાત કિશાન સંઘે નવો લોક ઉપયોગી રીતે વિરોધ કરવાનો ચીલો ચાંતર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને દેવામાં ડૂબતા બચાવવા માટે તાત્કાલિક ધોરણે લસણ જેવા વિવિધ પાકોની યોગ્ય ભાવે ખરીદી, એક્ષપોર્ટ, સ્ટોક કે પ્રોસેસ વગેરે જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સખતમાં સખત માંગણી ગુજરાત કિશાન સંગઠન દ્વારા જગત તાત મિશન –2022 અંતર્ગત કરવામાં આવી છે. વાવણીથી લઈને કાંપણી સુધી એક એકરે લસણની ખેતી માટેનો ટોટલ ખર્ચ 37 170 રૂપિયા થાય છે. જયારે ખેડૂતોને એક એકરે લસણનું ઉત્પાદન અંદાજે 150 મણ જેટલું થાય છે. આ વર્ષે લસણનો એક મણનો અંદાજીત ભાવ માત્ર રૂપિયા 150 પ્રતિ મણના માંડ માંડ મળી રહ્યા છે .એટલે કે ખેડૂતોને એક એકરે 22,500 રૂપિયા મળી રહ્યા છે .જેની સામે ખેડૂતોને 37 હજાર 170 રૂપિયાનો ખેતી ખર્ચ આવે છે એટલે કે, લસણની ખેતી કરતા ખેડૂતોને એક એકરે લગભગ 14 હજાર 670 રૂપિયાની ખોટ આવી રહી છે. લસણની ખેતી ગુજરાતના ખેડૂતો માટે ખોટનો ધંધો બની ગઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code