Site icon Revoi.in

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણને કારણે ખેડુતો બન્યા ચિંતિત

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકાશ વાદળછાંયુ બન્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જિલ્લામાં ઘઉં, બટાકા અને વરિયાળી જેવા રવિપાકો તૈયાર થઈ ગયા છે અને કાપણીની રાહ જોઈ રહ્યા છે. આ સમયે જો માવઠું થાય તો તૈયાર પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકની કાપણીનો સમય આવ્યો છે ત્યારે વાતાવરણ પલટાથી ખેડુતોની ચિંતા વધારી દીધી છે.

બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે સોમવારે સવારથી આકાશમાં વાદળો છવાયા છે. હવામાનના જાણકારોએ તો માવઠાની આગાહી પણ કરી છે. ત્યારે ખેતી નિષ્ણાતોના મતે, માવઠુ પડેશે તો તૈયાર પાકોની ગુણવત્તા બગડી શકે છે. અને ઉપજ પણ ઘટી શકે છે. વિશેષ કરીને ઘઉં અને વરિયાળીના પાકને વધારે નુકસાન થઈ શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર અને કૃષિ વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતોને જરૂરી સલાહ-સૂચન આપી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ સિઝનમાં આ સમયગાળા દરમિયાન વરસાદ થવાની સ્થિતિમાં જીરું, એરંડા અને દાડમ જેવા મહત્વપૂર્ણ બાગાયતી પાકોને ગંભીર નુકસાન થવાની સંભાવના રહેલી છે. સ્થાનિક ખેડૂત આગેવાનોના મતે, ચાલુ વર્ષે જીરું અને એરંડા સહિતના પાકોનું ઉત્પાદન ઉત્કૃષ્ટ રહ્યું છે. જોકે, હવામાનમાં આવેલા અણધાર્યા પલટાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને જીરાંના પાક માટે આ સમયે વરસાદ અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે, જે ખેડૂતોની ચિંતાનું મુખ્ય કારણ છે.

Exit mobile version