Site icon Revoi.in

સૌરાષ્ટ્રના મહુવા સહિત યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જિલ્લામા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીનો ભાવ માત્ર અઢી રૂપિયા મળી રહ્યો છે, જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ ભાવ ડુંગળીના વાવેતર ખર્ચને પણ પહોંચી વળતો નથી. ખેડૂતો તેમની મહેનત અને રોકાણ સામે પૂરતું વળતર ન મળતા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ્સમાં  ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો માટે અત્યંત કપરી સ્થિતિ બની ગઈ છે. ડુંગળીનો પાક તૈયાર થયા બાદ ખેડૂતો આશા રાખે છે કે બજારમાં યોગ્ય ભાવ મળવાથી તેમની મહેનતને ન્યાય મળશે. પરંતુ હાલમાં મહુવા, ગોંડલ અને અન્ય માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીના ભાવ એટલા નીચા ગયા છે કે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પાયે આવક થાય છે. ખેડૂતો સારો ભાવ મળવાની આશા સાથે અહીં પોતાની ઉપજ લાવે છે, પરંતુ હરાજીમાં અત્યંત નજીવા ભાવ મળતા તેમની આશાઓ પર પાણી ફરી વળે છે. યાર્ડમાં દરરોજ 9,000 થી 10,000 ડુંગળીના થેલાની હરાજી કરવામાં આવે છે. જોકે, મોટાભાગના ખેડૂતોને તેમની ઉપજના ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલો દીઠ માત્ર 30 રૂપિયા પર આવી જતા ખેડૂતો ખર્ચ પણ પાછો મેળવવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. અમરેલી સહિત અનેક તાલુકાઓના ખેડૂતોએ હાલના પાયમાલ જેવી પરિસ્થિતિ સામે સરકારને તાત્કાલિક સહાયની માંગ કરી છે. ખેડૂતે ડુંગળી ભરવાની બેગનો ખર્ચ પણ મળતો નથી. ખેડૂતો ડુંગળી વેચીને ખાલી હાથે ઘરે પરત ફરી રહ્યા છે.

Exit mobile version