પાલનપુર, 7 એપ્રિલ 2026: Farmers worried due to cloudy weather રાજ્યના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી ફરી એકવાર પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા વાદળો ઘેરાઈ આવતા દિવસ દરમિયાન પણ અંધારપટ જેવો અનુભવ થયો હતો. અગાઉ પણ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સોમવારે સરેરાશ 10 કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. અરબ સાગર તરફ ફૂંકાતા પવનના કારણે ભેજનું પ્રમાણ વધીને 27 થી 62 ટકાની વચ્ચે રહ્યું હતું. તેમ છતાં દિવસ-રાતના તાપમાનમાં અડધા ડિગ્રીથી લઇ એક ડિગ્રી સુધીનો વધારો થયો હતો. જેને લઇ રાત્રીનું તાપમાન 21.5 થી 21.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થવા છતાં 22 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે રાતભર વાતાવરણમાં ઠંડક બની રહી હતી. દિવસનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે એક દિવસ માટે પાંચેય જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. આ દરમિયાન કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન અને હળવી ગાજવીજ થઇ શકે છે. જોકે, વરસાદ થવાની શક્યતા 25 ટકા સુધીની જોવા મળી શકે છે. બીજી તરફ, 10 એપ્રિલથી ગરમીનું પ્રમાણ ફરી એકવાર 2 થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે.

