અમદાવાદ, 7 જુન, 2026 : Fear of accident as pit dug by Muni in Maninagar not filled for 15 days શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીને કારણે નાગરિકોને પરેશાનીનો ભોગ બનવું પડે છે. શહેરના મણિનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને અધુરુ છોડી દેવામાં આવ્યું છે. બેરીકેટ વગરના ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ મોટા ખાડાઓમાં રાતે વાહન ચાલકો અને ચાલીને જતા લોકો પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
શહેરના મણિનગર વિસ્તારમાં ખોડિયાર મંદિર નજીક આવકાર હોટલ સામે ડ્રેનેજ લાઈન માટે 15 દિવસ પહેલા ખાડા ખોદવામાં આવ્યા છે. આવકાર હોલ કેનાલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હજી આ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી. લોકોને આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે અને અકસ્માત થવાનો પણ જોખમ રહે છે. કોઈ વૃદ્ધ માણસ કે બાળકો પડી જાય તો શું સ્થિતિ થશે? મ્યુનિના અધુરા કામના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે. વરસાદના આગમન પહેલા સત્વરે ખાડાઓ પુરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગ ઊઠી છે.
સ્થાનિક રહિશોના કહેવા મુજબ “અમે અહીંયા ખોડીયાર મંદિર પાસે રહીએ છીએ. અમારા ઘરની બહાર જ આ ખાડા ખોદેલા છે અમે બહુ જ હેરાન થઈ ગયા છે. સ્કૂલના બાળકોને જવા માટે પણ બહુ જ મુશ્કેલી પડે છે. 15 દિવસથી ખાડા ખોદેલા છે. આજુબાજુમાં બેરીકેટ પર લગાવવામાં આવ્યા નથી. લોકો આ ખાડાને પાર કરીને જાય છે અને ઘણા લોકો દૂર દૂરથી ફરીને જાય છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે અહીંયા લાઈન નાખવામાં આવી હતી અને આ ડ્રેનેજ લાઈન સીધા કેનાલમાં સીધી જોડી દીધી છે. ઘણા લોકો આ ખાડામાં પડી જાય છે. અમે એમને બહાર નીકળવા માટે મદદ કરીએ છીએ. આ ખોદકામના કારણે ઘણા દિવસો સુધી અહીંયા માટીવાળું ગંદુ પાણી આવે છે.

