સુરત, 31 મે, 2026 : Female accountant caught taking bribe રાજ્યમાં લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં સુરત જિલ્લા પંચાયતના કૃષિ વિભાગના મહિલા એકાઉન્ટન્ટ રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા છે. મહિલા એકાઉન્ટન્ટ રૂપલ પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષીય કોલેજીયન પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ₹30,000 ની રોકડ લાંચ લેતા જાહેર રોડ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા છે.
સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં વહીવટી પદનો દુરુપયોગ કરીને પોતાના જ સાથી કર્મચારીઓના હકના નાણાં રોકી લાંચ માંગવામાં આવી હતી. માત્ર એક વર્ષ પહેલાં જ જુનિયર ક્લાર્કમાંથી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવનાર રૂપલ પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષીય કોલેજીયન પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ₹30,000 ની રોકડ લાંચ લેતા જાહેર રોડ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખામાં વર્ષ 2022થી 2024 દરમિયાન ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (T.A. Bills) તથા લીવ ટ્રાવેલ કન્સેશન (L.T.C. Bills) મંજૂર કરવાના બાકી હતા, જેની સત્તાવાર જવાબદારી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ ટેલર હસ્તક હતી. સાથી કર્મચારીઓના કાયદેસરના નાણાં સમયસર પાસ કરવાને બદલે રૂપલ ટેલરે ફાઈલો અટકાવી રાખી હતી અને પ્રતિ બિલ દીઠ ભ્રષ્ટાચારનું રેટ કાર્ડ નક્કી કરી ઉઘરાણી શરૂ કરી હતી. જેમાં 33 સહ-કર્મચારીઓના ટીએ બિલ દીઠ ₹1,500 લેખે કુલ ₹49,500ની માંગણી કરી હતી. તેમજ 13 કર્મચારીઓના એલટીસી બિલ દીઠ ₹1,000 લેખે કુલ ₹13,000ની માંગણી કરવામાં આવી હતી. આમ, કુલ 46 કર્મચારીઓના હકના નાણાં છોડવા માટે તેમણે કુલ ₹62,500 ની ગેરકાયદેસર લાંચની માંગણી સ્ટાફ સમક્ષ કરી હતી. મહિલા ક્લાર્કની માનસિક કનડગતથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્ટાફ વતી એક જાગૃત કર્મચારીએ હિંમત દાખવીને એસીબી સુરત એકમનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. અને એસીબીએ છટકુ ગોઠવતા મહિલા એકાઉન્ટન્ટ 30 હજારની લાંચ લેતા પકડાયા હતા.

