1. Home
  2. ગુજરાતી
  3. ફિફા ચીફ જિઆની ઈન્ફેન્ટિનો પીએમ મોદીના ફૂટબોલની કરી પ્રશંસા
ફિફા ચીફ જિઆની ઈન્ફેન્ટિનો પીએમ મોદીના ફૂટબોલની કરી પ્રશંસા

ફિફા ચીફ જિઆની ઈન્ફેન્ટિનો પીએમ મોદીના ફૂટબોલની કરી પ્રશંસા

0
Social Share

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રમતગમત પ્રત્યેની રુચિ અને ખાસ કરીને ફૂટબોલ પ્રત્યેના તેમના ઉત્સાહના હવે વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. ફિફાના પ્રમુખ જિઆની ઈન્ફેન્ટિનોએ બુધવારે પીએમ મોદીની ખેલદિલીની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ શેર કરી છે. વડાપ્રધાન મોદી હાલ સિક્કિમના પ્રવાસે છે, જ્યાં ગંગટોકની સુંદર સવારમાં તેમણે સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફિફા ચીફ ઈન્ફેન્ટિનોએ લખ્યું હતું કે, “નરેન્દ્ર મોદીને આપણી આ સુંદર રમત રમતા જોવા એ ખરેખર અદ્ભુત છે. ફૂટબોલ સાચા અર્થમાં આખી દુનિયાને એકસાથે જોડે છે.”

 

પીએમ મોદીએ પોતે પણ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર આ ક્ષણોની તસવીરો શેર કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ગંગટોકની આ મનોહર સવારમાં મારા યુવા મિત્રો સાથે ફૂટબોલ રમવા જેવો આનંદ બીજો કોઈ નથી. આ યુવાનો સાથેનો ફૂટબોલ સેશન ખરેખર ઊર્જાથી ભરી દેનારો રહ્યો.” ભારતના પૂર્વોત્તર રાજ્યો જેમ કે સિક્કિમ, મિઝોરમ, મણિપુર અને મેઘાલયમાં ફૂટબોલ માત્ર એક રમત નહીં પણ એક જુસ્સો છે. ઘણા વિસ્તારોમાં ફૂટબોલની લોકપ્રિયતા ક્રિકેટ કરતા પણ વધુ જોવા મળે છે. નિષ્ણાંતો માને છે કે પીએમ મોદીનું બાળકો સાથે મેદાનમાં ઉતરવું એ સ્થાનિક રમતપ્રેમીઓ માટે પ્રોત્સાહનનો એક મોટો અને સકારાત્મક સંદેશ છે.

આ પહેલીવાર નથી જ્યારે ઈન્ફેન્ટિનોએ પીએમ મોદીના વખાણ કર્યા હોય. અગાઉ 2018માં આર્જેન્ટિનામાં આયોજિત જી-20 સમિટ દરમિયાન પણ બંને નેતાઓ મળ્યા હતા. તે સમયે ફિફા પ્રમુખે પીએમ મોદીને તેમના નામવાળી ફૂટબોલ જર્સી ભેટમાં આપી હતી. ત્યારે પીએમ મોદીએ આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર્સની ભારતમાં લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. રમતગમતના માધ્યમથી પીએમ મોદીનો આ અંદાજ ભારત અને વૈશ્વિક રમત જગત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવનારો અને પ્રતીકાત્મક ગણાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ દેશની બૌદ્ધિક સંપદા ક્ષમતાનો ઉપયોગ કરવા માટે નવીનતા આવશ્યક છે: પીયૂષ ગોયલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code