
શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસટી બસમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે એક એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસટી બસમાં લાગેલા આગનું કારણ જાણવા મળ્યું નથી.
ગોધરા એસટી ડેપોની એક એસટી બસ નંબર GJ 18 Z 2776 સવારના સમયે ગોધરાથી વલ્લભપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન શહેરા તાલુકાના વલ્લભપુર ગામે હાઇવે માર્ગ ઉપર બસમાં એકાએક આગ ફાટી નીકળી હતી. બસના અંદરના ભાગેથી ધુમાડા નીકળવાની શરૂઆત થતા બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને રોડ સાઈડ પર થોભાવી દીધી હતી. જેમાં ડ્રાઇવર-કંડક્ટર સહિત કેટલાક મુસાફરો બસમાંથી તરત જ ઉતરી ગયા હતા. બીજી તરફ આગ થોડીક ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને ભડભડ સળગી ઊઠી હતી. ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. જો કે વિકરાળ આગના કારણે સમગ્ર એસટી બસ હાડપીંજરમાં ફેરવાઈ ગઈ હતી. કયા કારણોસર બસમાં આગ લાગી તે અંગે હજી સુધી કોઈ જાણી શકાયું નથી.
ગોધરા વિભાગીય નિયામક બી આર ડિંડોરએ જણાવ્યું હતું કે, ગોધરાથી વલ્લભપુર તરફ જઈ રહેલી એસટી બસમાં આગ લાગી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ જોન વિઝીટ અને એફએસએલ માટે જોઈન્ટ ઇન્ફેક્શન કંપનીમાંથી એક ટીમ આવી રહી છે, તે નિરીક્ષણ કર્યા બાદ જ ખબર પડશે કે આગ કયા કારણોસર લાગી હતી.