અયોધ્યા, 2 સપ્ટેમ્બર, 2026 – શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ (CEO)નું નામ નક્કી થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આની અધિકૃત જાહેરાત ટ્રસ્ટની પત્રકાર પરિષદમાં કરવામાં આવશે.
એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા પોતાની નિમણૂકના દિવસથી ત્રણ વર્ષ સુધી સીઈઓ પદ પર રહેશે. એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ 38 વર્ષ સુધી વાયુસેનામાં સેવા આપી છે. તેઓ ફાઇટર પાયલોટ, કોમ્બેટ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાયલોટ તરીકે કામ કરી ચૂક્યા છે.
ટ્રસ્ટના સીઈઓ પદ માટે 5500થી વધુ અરજીઓ આવી હતી. તેમાંથી 18 લોકોના નામ શોર્ટલિસ્ટ થયા હતા. શોર્ટલિસ્ટ થયેલા લોકોને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી તેમની માન્યતાઓ સહિત અનેક અગત્યના સવાલો પૂછવામાં આવ્યા હતા.
શું હશે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની જવાબદારી?
રામ મંદિરના સીઈઓ (CEO) ની સૌથી મોટી જવાબદારી મંદિરની વહીવટી, નાણાકીય અને કાનૂની સંચાલન સંભાળવાની રહેશે.
સીઈઓ પદ માટે ટ્રસ્ટ દ્વારા ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિમાં નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી, વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડેનો સમાવેશ થતો હતો.
કોણ છે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા?
એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા ભારતીય વાયુસેનાના એક નિવૃત્ત અધિકારી છે. તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કામ કર્યું હતું. આ પહેલાં તેમણે ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) ના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફમાં ડોક્ટ્રિન, ઓર્ગેનાઇઝેશન અને ટ્રેનિંગના ડેપ્યુટી ચીફ પણ રહી ચૂક્યા છે.
મિશ્રા નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલા અને એર ફોર્સ એકેડેમી, ડુંડીગલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ એર ફોર્સ ટેસ્ટ પાયલોટ્સ સ્કૂલ, એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ (મોન્ટગોમરી, અલાબામા) અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝના પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
મિશ્રાને 6 ડિસેમ્બર 1986ના રોજ એર ફોર્સ એકેડેમીમાંથી ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મળ્યું હતું. 38 વર્ષથી વધુની કારકિર્દીમાં તેમની પાસે 3000 કલાકથી વધુનો ફ્લાઇટ અનુભવ છે. તેમણે 18થી વધુ પ્રકારના ફાઇટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવ્યા છે.
સ્કવોડ્રન લીડર તરીકે તેઓ એ ટીમનો હિસ્સો હતા જેણે કારગિલ યુદ્ધની શરૂઆતમાં મિરાજ 2000 એરક્રાફ્ટ પર લેઝર-ગાઇડેડ બોમ્બને ઓપરેશનલ બનાવ્યા હતા. આ બોમ્બનો ઉપયોગ પાછળથી ‘ઓપરેશન સફેદ સાગર’ દરમિયાન ટાઇગર હિલ અને મુન્થો ઢાલો પર થયેલા પ્રખ્યાત હુમલાઓમાં કરવામાં આવ્યો હતો.


