કર્ણાવતી, 2 સપ્ટેમ્બર, 2026 – કર્ણાવતી મહાનગરમાં ત્રિ-દિવસીય “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” કાર્યક્રમનો સમાપન સમારોહ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. યુવાનો વંદે માતરમનું સંપૂર્ણ પઠન કરી રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવે તે હેતુથી કર્ણાવતી મહાનગરમાં ત્રણ દિવસ દરમિયાન 1 લાખથી વધુ વંદેમાતરમનું ગાન તેમજ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.
આ ત્રણ દિવસીય અભિયાનના પ્રથમ દિવસે, ૩૧ ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શાળાઓના ૩૦૦થી વધુ શાળાઓના ૪૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સવારે ૮:૩૦ કલાકે એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ સમયે યોજાયેલા આ સામૂહિક ગાનથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
“વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” યુવાનોને રાષ્ટ્રભાવના અને એકતાના તાંતણે જોડવાનો એક રાષ્ટ્રવ્યાપી પ્રયાસ
આ પ્રસંગે યુવાઓને સંબોધતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર દેશના યુવાનોને રાષ્ટ્રભાવના અને એકતાના તાંતણે જોડવાનો એક રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પ્રવાસ દરમિયાન યુવાનોમાં જોવા મળેલો અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ અને ઊર્જા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
તેમણે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશનો યુવા માતૃભૂમિની આઝાદી માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતો. આજે સ્વતંત્ર ભારતનો યુવા દેશની વિકાસગાથાને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે. આઝાદી પહેલાં દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવાનો પડકાર હતો, જ્યારે આજે ભારતને વિશ્વની અગ્રણી અને વિકસિત રાષ્ટ્રવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ છે.
“વિકસિત ભારત–૨૦૪૭”ના વિઝનને સાકાર કરવાનો હેતુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત વિકાસની નવી દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાવતાં શ્રી જોષીએ યુવાનોને “વિકસિત ભારત–૨૦૪૭” ના સંકલ્પ સાથે કદમ મિલાવીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિકસિત ભારત–૨૦૪૭”ના વિઝનને સાકાર કરવું એ “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ”નો મૂળભૂત હેતુ છે. દેશનો યુવા રાષ્ટ્રહિતના દરેક કાર્યમાં અગ્રેસર રહીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયાસોમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં ત્રણ દિવસ દરમિયાન થયેલી વિશાળ વિદ્યાર્થી ભાગીદારી અંગે તેમણે જણાવ્યું હતું કે, ૩૧ ઓગસ્ટના રોજ ૪૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ૧ સપ્ટેમ્બરના રોજ ૬૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૨ સપ્ટેમ્બરના રોજ નારણપુરા તથા ધાણી લીમડા વોર્ડમાં ૧,૯૦૦થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી એ દર્શાવે છે કે દેશનો યુવા વર્ગ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સંપૂર્ણપણે જોડાયેલો છે.
વિદ્યાર્થીઓએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી રાષ્ટ્રભાવનાનો સંદેશ પ્રસરાવ્યો
અભિયાનના બીજા દિવસે, ૧ સપ્ટેમ્બરના રોજ અમદાવાદની ૨૩૦થી વધુ ખાનગી શાળાઓના ૬૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી રાષ્ટ્રભાવનાનો સંદેશ પ્રસરાવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સહભાગિતાથી “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” અભિયાનને વ્યાપક જનભાગીદારી મળી હતી.
અભિયાનના ત્રીજા દિવસે, ૨ સપ્ટેમ્બરના રોજ નારણપુરા વોર્ડ ખાતે ૧,૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ રચી હતી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ભારતનો નકશો બનાવી રાષ્ટ્રપ્રેમ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત દાણીલીમડા વોર્ડ ખાતે પણ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ રચી હતી. બંને સ્થળોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રાષ્ટ્રભાવના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નારણપુરા ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માનવ સાંકળ દ્વારા ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ રચી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એકસૂરે ‘વંદે માતરમ’નું પૂર્ણ ગાન કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ શ્રી કેતુભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર સંગઠનના મંત્રી તથા યુવા મોરચાના પ્રભારી શ્રી હેમંતભાઈ મઘરે, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રભારી શ્રી સચીનભાઈ પ્રજાપતિ, ગુજરાત યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી કુલદીપભાઈ બારોટ સહિત સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


