ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું
- સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી લાક્ષણિકતા છે
વડોદરા, 25 જૂન, 2026 – જનસંઘના સ્થાપક, મહાન રાષ્ટ્રચિંતક અને અખંડ ભારતના પ્રખર ઉપાસક, ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આયોજિત ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય ‘વંદે કમલમ’ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
લોકશાહીનો કાળો દિવસ
આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનની શરૂઆતમાં બંધારણ હત્યા દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે, ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ કોંગ્રેસ દ્વારા દેશ પર કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરવામાં આવી હતી અને તે દિવસને દેશ આજે પણ ‘લોકશાહીનો કાળો દિવસ’ તરીકે યાદ કરે છે. દેશના બંધારણ અને લોકશાહી પર થયેલા પ્રહારોને નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. તે સમયગાળા દરમિયાન થયેલા અત્યાચાર, દમન અને લોકશાહી મૂલ્યોના હનન વિશે સમાજને માહિતગાર કરવો એ દરેક કાર્યકર્તાની જવાબદારી છે. કટોકટી દરમિયાન લોકતાંત્રિક મૂલ્યોને જીવંત રાખવા માટે સંઘર્ષ કરનારા તમામ દેશભક્તોને તેમણે વંદન કર્યું હતું.

રાષ્ટ્રવાદી વિચારધારા અને સેવાભાવ
પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ૨૩ જૂનથી ૬ જુલાઈ સુધી સમગ્ર દેશમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અને જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના માધ્યમથી નવી પેઢીને તેઓના લોકતાંત્રિક મૂલ્યો, સંઘર્ષ અને રાષ્ટ્રપ્રતિબદ્ધતાની ગાથા સાથે પરિચિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન પ્રસંગોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કલકત્તામાં જન્મેલા ડૉ. મુખર્જી અસાધારણ પ્રતિભાના ધની હતા. માત્ર ૩૩ વર્ષની વયે તેઓ કલકત્તા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે તેમણે દેશના ઔદ્યોગિક વિકાસ અને આત્મનિર્ભરતાનો મજબૂત પાયો નાખ્યો હતો. ભારતની પ્રારંભિક ઔદ્યોગિક નીતિના ઘડતરમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેઓ સત્તા માટે નહીં, પરંતુ રાષ્ટ્રવાદી વિચારધારા અને સેવાભાવને કારણે જાહેર જીવનમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ કોટામાં લવ જિહાદ “ઉદ્યોગ”નો પર્દાફાશઃ જાણો આઘાતજનક કાવતરાની વિગતો
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે ડૉ. મુખર્જીએ દેશહિત સર્વોપરી રાખીને 8 એપ્રિલ, 1950ના રોજ થયેલા નહેરુ-લિયાકત કરારનો વિરોધ કરતાં કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડતી નીતિઓ સામે તેમણે અડગપણે અવાજ ઉઠાવ્યો હતો. કાશ્મીર માટે અલગ ધ્વજ, અલગ બંધારણ, અલગ પ્રધાનમંત્રી અને પરમિટ પ્રથાનો તેમણે વિરોધ કર્યો હતો.
હું તમારી આ વિચારધારાને કચડી નાખીશ
તેમણે જણાવ્યું કે જનસંઘની સ્થાપના સમયે ડૉ. મુખર્જીએ ભારતને ફરીથી મહાન અને સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે સૌને એક થવાનો આહ્વાન કર્યું હતું. ‘ચરૈવેતિ, ચરૈવેતિ’ના મંત્ર સાથે તેમણે સમગ્ર દેશમાં પ્રવાસ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાને જનજન સુધી પહોંચાડી હતી. સંસદમાં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ “હું તમને અને તમારા જનસંઘને કચડી નાખીશ” એવું કહ્યું હતું, ત્યારે ડૉ. મુખર્જીએ “હું તમારી આ વિચારધારાને કચડી નાખીશ” એવો ઐતિહાસિક પ્રતિઉત્તર આપ્યો હતો.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની પ્રક્રિયા ડૉ. મુખર્જીના બલિદાન અને સંકલ્પને સાકાર કરતી ઐતિહાસિક ઘટના હતી. લાંબા સમય સુધી થયેલા અભ્યાસ, કાનૂની પ્રક્રિયા અને વ્યાપક વિચારવિમર્શ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃઢ નેતૃત્વમાં કલમ 370 દૂર કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના ભય અને ભ્રમ ફેલાવવાના પ્રયાસો છતાં આજે કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું વાતાવરણ સર્જાયું છે. આ સંદર્ભે તેમણે ડૉ. મુખર્જીના બલિદાનને યાદ કરતાં કહ્યું કે, “જહાં હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ!”
આ પણ વાંચોઃ ‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’: અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપ
અંતમાં શ્રી વિશ્વકર્માએ કાર્યકર્તાઓને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્ય કરવા આહ્વાન કરતાં જણાવ્યું કે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન, તેમના આદર્શો, રાષ્ટ્રનિષ્ઠા અને સેવા-સમર્પણના સંસ્કારો આજે પણ ભાજપાના કાર્યકર્તાઓમાં જીવંત રહે અને સમાજજીવનમાં વધુ પ્રેરણારૂપ બને તે માટે સૌએ સંકલ્પબદ્ધ બની કાર્ય કરવું જોઈએ. તેઓએ જણાવ્યું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યુ હતું કે સેવા કરવાથી અને બલિદાન આપવાથી જનસમુહનો વિશ્વાસ જીતી શકાય છે અને આપણે એ જ મંત્ર સાથે કાર્યરત રહી રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી સતત જનસમુદાયનો વિશ્વાસ જીતતા આવ્યા છીએ અને કેન્દ્રમાં 3 સતત વખત જનતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે.
ત્રણ દાયકાથી ગુજરાતના નાગરિકોને અતૂટ વિશ્વાસ
શ્રી વિશ્વકર્માએ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા બનેલા તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે કેવડિયાથી કચ્છ સુધી ચારેય દિશામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કમળ ચારેય દિશામાં ખીલ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતની જનતાએ ભાજપા પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ વિશ્વાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ, ભાજપાની જનકલ્યાણકારી નીતિઓ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનના કારણે વધુ મજબૂત બન્યો છે. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાની ૧૫માંથી ૧૫, નગરપાલિકાની ૮૪માંથી ૭૬, જિલ્લા પંચાયતની ૩૪માંથી ૩૩ અને તાલુકા પંચાયતની ૨૬૦માંથી ૨૨૯ સંસ્થાઓમાં ભાજપાની ભવ્ય જીત કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારોની જીત પણ જનવિશ્વાસનું પ્રતિબિંબ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્થાનિક સ્વરજ્યની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ અને સંઘર્ષની જીત છે. ભાજપાનું કમળ જ ભાજપાના પ્રત્યેક કાર્યકર્તા, આગેવાન અને જનપ્રતિનિધિની ઓળખ છે. આ ઓળખને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ સેવા અને સમર્પણ સાથે અવિરત કાર્યશીલ છે.
ભાજપના કાર્યકર્તાઓનું મહત્ત્વ
શ્રી વિશ્વકર્માએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાની વચ્ચે રહીને વધુ સક્રિયતાથી લોકસેવા કરવા આહ્વાન કરતાં જણાવ્યું કે ક્યાંક કોઈ વિસ્તારમાં ઓછા મત મળ્યા હોય ત્યાં પણ સમાન ભાવથી સેવા કરવી એ ભાજપાની કાર્યપદ્ધતિ છે. કાર્યકર્તાઓએ સતત પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રહેવું જોઈએ, કારણ કે સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી લાક્ષણિકતા છે. શાળા પ્રવેશોત્સવ અંગે ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમાજના અંતિમ છેવાડે રહેલા બાળકને શિક્ષણ સાથે જોડવાનું કાર્ય પણ રાષ્ટ્રસેવાનો મહત્વનો ભાગ છે. તેમણે રાજ્ય સરકારની કામગીરીના ઉદાહરણનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આજે ભાજપાની રાજ્ય સરકાર દરેક બાળકને શિક્ષણ આપવા માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી અને ઝોન પ્રભારી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસિકભાઇ પ્રજાપતિ, સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો. હેમાંગભાઇ જોષી, વડોદરા જિલ્લા પ્રમુખશ્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રભારીશ્રી ડૉ. ઋત્વિજ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી જ્યોત્સનાબેન, ધારાસભ્યોશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


