
પાકિસ્તાન માટે જાસૂસી કેસમાં બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયરને આજીવન કેદની સજા
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસુરી કરનાર એક એન્જિનિયરને નાગપુર કોર્ટે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. આરોપી ઠરેલો એન્જિનિયર અગાઉ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસિટમ એન્જિનિયર તરીકે કામ કરતો હતો.
કેસની હકીકત અનુસાર નાગપુરની એક કોર્ટે સોમવારે બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અહેવાલ છે કે, નિશાંતની 2018માં જાસૂસી અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અહેવાલો અનુસાર, નિશાંત ભારતના DRDO અને રશિયાના મિલિટરી ઈન્ડસ્ટ્રીયલ કન્સોર્ટિયમ (NPO Mashinostroyenia)ના સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઈલ વિકસાવવા પર કામ કરી રહી છે, જેને જમીન, હવા, સમુદ્ર અને પાણીની અંદરથી પણ લોન્ચ કરી શકાય છે.