Site icon Revoi.in

છેતરપીંડીના કેસમાં શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓને સમન્સ

Social Share

મુંબઈઃ એક વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાના કેસમાં નવું અપડેટ આવ્યું છે. આર્થિક ગુના શાખાએ અભિનેત્રીની કંપનીમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. ચારમાંથી એકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 4 કર્મચારીઓને સમન્સ મોકલવામાં આવ્યું છે. આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું કે કંપનીનો એક કર્મચારી શાખા સમક્ષ હાજર થઈ ચૂક્યો છે અને તેનું નિવેદન પણ નોંધાઈ ચૂક્યું છે, જ્યારે ત્રણ કર્મચારીઓનું હાજર થવું બાકી છે. તે ત્રણેયની પણ પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવશે. આ ચારેય કર્મચારીઓ અગાઉ કંપનીમાં કામ કરતા હતા.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટીમ એ પાસાઓની તપાસ કરી રહી છે કે શું ખરેખર રાજ કુન્દ્રાની કંપની પાસે ગ્રાહકોના આટલા ઓર્ડર હતા, જેને પૂરા કરવા માટે રાજ કુન્દ્રાને વેપારી પાસેથી 60 કરોડ રૂપિયાની લોન લેવી પડી હતી અને ટેક્સ બચાવવા માટે લોનને રોકાણ તરીકે દર્શાવવામાં આવી હતી. સાથે જ ટીમ કંપની સાથે જોડાયેલા પ્રોડક્ટ સપ્લાયરો અને જાહેરાત આપનારી કંપનીઓથી પણ પૂછપરછ કરશે. જો પૂછપરછમાં કંઈક શંકાસ્પદ સામે આવશે તો શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.

આર્થિક ગુના શાખાએ કર્મચારીને કંપની સાથે જોડાયેલા સવાલો કર્યા. શાખા એ જાણવાની કોશિશ કરી રહી છે કે કંપનીના કર્મચારીઓને પગાર કેવી રીતે આપવામાં આવતો હતો. શું પગારનો હિસ્સો કંપનીની થનારી કમાણીમાંથી આપવામાં આવતો હતો કે પગારના પૈસા ક્યાંક બીજેથી પણ લાવવામાં આવતા હતા? શું ઓફિસોના ફર્નિશિંગમાં 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા? તપાસ શાખા ઓફિસોનું ફર્નિશિંગ કરનારી કંપનીઓથી પણ પૂછપરછ કરશે. આ પહેલા શિલ્પા શેટ્ટીએ કોર્ટમાંથી વિદેશ જવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટે આ કહીને અરજી ફગાવી દીધી હતી કે પહેલા છેતરપિંડીના પૈસા ભરો અને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ.

Exit mobile version