1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 1લી જુલાઈથી વાહનોના રજિસ્ટ્રેશન અને નંબરની ફાળવણી શો-રૂમમાંથી જ કરાશે

ગુજરાતમાં 1લી જુલાઈથી વાહનોના રજિસ્ટ્રેશન અને નંબરની ફાળવણી શો-રૂમમાંથી જ કરાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવા વાહનોની ખરીદી સાથે ડિલર્સના શો-રૂમમાંથી જ રજિસ્ટ્રેશન અને નવા વાહનના નંબરની ફાળવણી કરી દેવાશે. એટલું જ નહીં વાહનોને નંબર પ્લેટ પણ ડિલર્સ દ્વારા લગાવી અપાશે. આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે, જેને લઇને આરટીઓ દ્વારા ડીલર્સને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થઇ ગઈ છે અને આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમ આપવામાં આવશે.

આરટીઓના સૂત્રોમાંથી પ્રપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ, ડીલરના શોરૂમ ખાતેથી જ વાહનોના નંબર ફાળવવામાં આવશે. આ પહેલાં આરટીઓમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા, જે હવેથી ફુલ્લી બિલ્ટનાં વાહનોના નંબર ડીલર કક્ષાએથી જ વાહનોની ફી અને ટેક્સ ભર્યાં બાદ તરત જ ફાળવી દેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલાં આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે, જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે તેમજ ફુલ્લી બિલ્ટ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે. નંબર ફાળવણીની પ્રક્રિયા ડીલર કક્ષાએથી થવાની હોવાથી તેમને માટે પ્રથમ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.  આ અગાઉ સરકારે વાહનની ડિલિવરી મેળવી લીધા બાદ આરટીઓ રજિસ્ટ્રેશન થયા પછી ડીલર્સને ત્યાંથી જ નંબર પ્લેટ ફિટ કરાવવાની પ્રણાલી શરૂ કરી હતી. રાજ્ય સરકાર હવે આ સમગ્ર પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરીને નંબર ફાળવણીની પ્રક્રિયા માટે પણ ડીલર્સને અધિકૃત કર્યાં છે.

આરટીઓના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે, ત્યાર બાદ નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે, જેની ખરાઈ થયા બાદ આરટીઓ કચેરી એનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા નંબર પ્લેટ કંપનીમાં વાહન ડીલર નંબરની યાદી મોકલી આપે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહનમાલિકને જાણ કરાય છે. આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. પસંદગીના નંબર હોય તો એમાં વધુ સમય જાય છે, પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં. ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કોમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ એ નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code