ગાંધીનગરઃ સુજલામ-સુફલામ જળ અભિયાનનો ખોરજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે
અમદાવાદઃ રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા. 17 ફેબ્રુઆરીથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા. 17 ફેબ્રુઆરીએ ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી આ સુજલામ સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો આરંભ કરાવશે.
સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન તા. 17 ફેબ્રુઆરીથી તા. 31મી મે એટલે કે 104 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. ગુજરાતમાં અનિયમીત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ સ્તર નીચે ઉતરતા જવાથી તેમજ ક્ષારયુકત-ફલોરાઇડ વાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકશાનથી ઉગારવાના ઉપાય રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયુ છે.
રાજ્ય સરકારના જુદા જુદા 6 વિભાગો એક સાથે મળીને આ અભિયાનના ઉદેશ્ય પૂર્ણ કરવા જળ સંચયને લગતા વિવિધ કામો લોકભાગીદારીથી કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં સતત બીજા વર્ષે આ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરાશે.
આ અભિયાન અન્વયે 2023ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલીસ્ટીંગના કામો, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો રાજ્યભરમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની જે કામગીરીનો સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પ્રારંભ કરાવવાના છે તેના પરિણામે 1.43 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવની હાલની 14.12 લાખ ઘનફૂટ સંગ્રહ ક્ષમતામાં અંદાજે 5.29 લાખ ઘનફૂટનો વધારો થશે.
આ સુજલામ સુફલામ જળ અભિયાનને કારણે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી રાજ્યના ખેડૂતોને સિંચાઇમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બેય રીતે લાભ મળે છે. એટલું જ નહિ, ખોદકામની કામગીરીથી નીકળતી માટી તેમજ કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરમાં તથા સરકારના અન્ય વિકાસ કામોમાં પણ કરવામાં આવે છે. આ કામગીરીને કારણે લાખો માનવદિન રોજગારી મળવા સાથે ઢોર-ઢાંખર પશુઓને પીવા માટે પાણી સરળતાએ મળી રહે છે.
(PHOTO-FILE)