1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન યોજાયો, 101 છાત્રોને પદવી એનાયત
ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન યોજાયો, 101 છાત્રોને પદવી એનાયત

ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન યોજાયો, 101 છાત્રોને પદવી એનાયત

0
Social Share

ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ રવિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. જેમાં 8 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં કુલ 101 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 14 પુસ્તકો તેમજ ટૉય ઈનોવેશન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ગેમ ‘ક્લાઈમેટો ચેન્જ’નું પણ વિમોચન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ રવિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો.જેમાં અતિથિ વિશેષ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર, સમારોહના ઉપાધ્યક્ષ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ તેમજ રાજ્યના ઉચ્ચશિક્ષણના અગ્રસચિવ એસ. જે. હૈદર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અને ટૉય ઈનોવેશન વિભાગની ચાર ટૉયવાનનું લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગરમાં આયોજિત આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આખી દુનિયા ભૌતિકવાદની પાછળ દોડ લગાવી રહી છે ત્યારે, આગામી સમયની જરૂરિયાત સમજીને ભારતીય મૂલ્યોને સમર્પિત હોય તેવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. લોકો આજે મોટા-મોટા ભવનોથી લઈને કારખાનાઓ, રેલવેલાઇન વગેરે સહિતની ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છે, પણ સૌથી મહત્ત્વનું નિર્માણ “મનુષ્ય નિર્માણ” છે. વિશ્વમાં જેની ગણના ભોગમાં થતી એ બાળકોનો જન્મ અહીં ભારતમાં આરાધના સમાન હતો. આપણે ત્યાં 16 સંસ્કારોના માધ્યમથી ઉત્તમ મનુષ્યનું નિર્માણ કરવામાં આવતું. આ પ્રક્રિયામાં માતા-પિતાથી લઈને શિક્ષકો અને પરિવારના તમામ સભ્યોને સાંકળવામાં આવતા. ઉત્તમ મનુષ્ય થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનિર્માણ અને વિશ્વ કલ્યાણની ભાવના એ ભારતીય ચિંતન રહ્યું છે. યુનિવર્સિટીના આ વિચારને સૌ દીક્ષિત વિદ્યાર્થીઓ એક ભાવના સાથે આગળ વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પદવીદાન સમારોહના અતિથિ વિશેષ અને રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણી ઋષિ પરંપરા, ગર્ભ સંસ્કાર, સોળ સંસ્કારો જે આપણી સંસ્કૃતિનો ભાગ હતા, એ પરંપરા કોઈ કારણસર ભુલાતી જતી હતી, તેની પુનઃ સ્થાપના કરવા માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી છે. આ યુનિવર્સિટી આજે બીજમાંથી વટવૃક્ષ બની રહી છે.રાજ્યકક્ષાના  શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજમાં અનેક દુર્ઘટનાઓ, બદીઓ, પ્રશ્નો જોવા મળે છે. જો માણસ સંસ્કારી હશે તો સમાજમાંથી આ બદીઓ ઓછી થઈ જશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંસ્કારી મનુષ્યોના નિર્માણનું કાર્ય ગર્ભસંસ્કાર જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી કરી રહ્યું છે.

આ કાર્યક્રમના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, આ યુનિવર્સિટીએ અત્યાર સુધીની 13 વર્ષની યાત્રામાં વિશિષ્ટ ઊંચાઈ પ્રાપ્ત કરી છે અને આગળ વધી રહી છે. આ વિદ્યાલયનો આરાધ્યદેવ બાળક છે. તેમણે યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો, સાથે ટૉયવાન માટે બી.પી.સી.એલ.એ આપેલા 4.80 કરોડના અનુદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ પદવીદાન સમારોહની ઔપચારિકતા સંભાળી હતી. કાર્યક્રમના અંતે તેમણે સૌની આભારવિધિ કરી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code