Site icon Revoi.in

મેગ્નેટનો ઉપયોગ કરીને મોબાઈલ એપથી લોક ખોલી કારની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

Social Share

રાજકોટ, 10 જુલાઈ 2026 :  Gang that stole cars by unlocking them using a mobile app busted એઆઈ સહિત ટેકનોલોજીના જમાનામાં હવે તો ચોર પણ હાઈટેક થતાં જાય છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતા બે શખસોને દબોચી લીધા છે.  કાર ચોરીમાં પારંગત એવા બન્ને શખસો માત્ર 5 જ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કારનું લોક ખોલીને કાર સાથે પલાયન થઈ જતા હતા, પકડાયેલા બન્ને આરોપીઓ પાસેથી ત્રણ મોટરકાર સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે જ સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર એમ ત્રણ જિલ્લાના વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ કારચોરીમાં પકડાયેલા બન્ને આરોપીઓના નામ મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે.આરોપી મુકેશકુમાર મેઘવાલ વિરુદ્ધ અગાઉ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છમાં વાહનચોરી સહિતના કુલ 4 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે સલામ ઉર્ફે છોટિયા વિરુદ્ધ રાજસ્થાનના જોધપુર પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આ આરોપી વર્ષ 2026માં જેલમાંથી પેરોલ પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. આ દરમિયાન તે મુકેશના સંપર્કમાં આવ્યો હતો અને બંનેએ મળીને કાર ચોરીનો આ નવો કીમિયો અપનાવ્યો હતો.

આ ગેંગ સામાન્ય ચોરોની જેમ નહીં પણ અત્યંત આધુનિક પદ્ધતિથી સુઝુકી કંપનીની મોટર કારને ટાર્ગેટ બનાવતી હતી. તેમની ચોરી કરવાની રીત જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. સૌથી પહેલાં તેઓ કારનો કાચ તોડીને અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ સ્ટેરિંગની નીચે એક શક્તિશાળી મેગ્નેટ મૂકીને સ્ટેરિંગ લોક અનલોક કરી દેતા હતા. સ્ટિયરિંગ અનલોક થયા બાદ તેઓ કારના સિસ્ટમ પોર્ટમાં બ્લૂટૂથ ડિવાઇસ લગાવતા હતા.  આ ડિવાઇસને પોતાના મોબાઈલની ‘ડાયગ્ઝોન પ્રો’ નામની એપ્લિકેશન સાથે કનેક્ટ કરતા હતા. એપ્લિકેશન અને બ્લૂટૂથના કોમ્બિનેશનથી કારની સિક્યોરિટી સિસ્ટમને બાયપાસ કરી, વાયર ડાયરેક્ટ કરીને માત્ર 5 જ મિનિટમાં કાર સ્ટાર્ટ કરી તેઓ રફુચક્કર થઈ જતા હતા.

પોલીસે હાલ બંને આરોપીઓ પાસેથી ચોરાઉ 3 મોટર કાર, ગુનામાં વપરાયેલું મેગ્નેટ, બ્લૂટૂથ ડિવાઇસ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. કોર્ટમાંથી બંનેના રિમાન્ડ મેળવીને પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, તેઓએ અત્યાર સુધીમાં અન્ય કેટલા વાહનોની ચોરી કરી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં.

 

Exit mobile version