Homeગુજરાતીગુજરાતગિરનાર: બે વર્ષના સિંહે 11 વર્ષના બાળક પર કર્યો હુમલો, યાત્રાળુઓ માટે...

ગિરનાર: બે વર્ષના સિંહે 11 વર્ષના બાળક પર કર્યો હુમલો, યાત્રાળુઓ માટે સીડી બંધ

જૂનાગઢ, 11 જુલાઈ 2026: ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવ વચ્ચેના ઘર્ષણની એક અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે ગિરનારની મુખ્ય સીડી પર એક સિંહે 11 વર્ષના નિર્દોષ બાળક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ દ્વારા તાકીદે કડક પગલાં ભરવામાં આવ્યા છે.

દર્શન કરવા જતાં માસૂમ બન્યો સિંહનો શિકાર

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામથી આશરે 60 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ ગિરનાર દર્શનાર્થે આવ્યો હતો. આ સંઘમાં સામેલ 11 વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના અરસામાં ગિરનારની મુખ્ય સીડીઓ ચઢી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક આશરે બે વર્ષના પાઠડા નર સિંહે મયુરસિંહ પર હુમલો કર્યો હતો અને તેને પકડીને જંગલ તરફ ખેંચી ગયો હતો.

શોધખોળ દરમિયાન મળ્યા શરીરના અંગો

ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગની ટીમો દ્વારા જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકની શોધખોળ દરમિયાન વન વિભાગને જંગલમાંથી તેના બૂટ, લોહીલુહાણ કપડાં અને શરીરનો એક હિસ્સો મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે સિંહે બાળકને ફાડી ખાધો છે. આ દ્રશ્ય જોઈને પરિવારજનો સહિત સમગ્ર સંઘમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું.

તંત્ર એક્શન મોડમાં: વન વિભાગ અને પ્રશાસનના મોટા પગલાં

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રશાસન દ્વારા ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રાળુઓની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. માનવભક્ષી બનેલા આ બે વર્ષના નર સિંહને વહેલી તકે પકડી લેવા માટે વન વિભાગ દ્વારા ગિરનારની સીડીની આસપાસના જંગલ વિસ્તારમાં તાબડતોબ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને ટ્રેકિંગ ટીમ તૈનાત કરવામાં આવી છે.

યાત્રાળુઓમાં ભયનો માહોલ

ગિરનારની પરિક્રમા કે સીડી પર સિંહોની અવરજવર સામાન્ય ગણાય છે, પરંતુ સીડી પર ચઢી રહેલા યાત્રાળુ પર સિંહના સીધા હુમલાની આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ પર્વત પર તણાવ અને ભયનો માહોલ છે. વન વિભાગે અન્ય પ્રવાસીઓને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા અને વન્યજીવો પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી છે.

વધુ વાંચો: આજના ક્લાસરૂમ્સ આવતીકાલની નોકરીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવા જોઈએ: જયંત ચૌધરી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular