નવી દિલ્હીઃ ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ 2025માં એક એવો કમાલ કરી બતાવ્યો, જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી. તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોની પસંદ જ ન બન્યો, પરંતુ પાકિસ્તાનમાં પણ તેની લોકપ્રિયતાએ બાબર આઝમ જેવા દિગ્ગજ ખેલાડીને પણ પાછળ છોડી દીધો છે. ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ 2025માં સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકોએ સૌથી વધુ જે એથ્લીટને સર્ચ કર્યો, તે કોઈ પાકિસ્તાની નહીં, પરંતુ ભારતનો આ ડાબોડી યુવા બેટ્સમેન હતો.
અભિષેક શર્માની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ 2025 એશિયા કપમાં તેની આક્રમક બેટિંગ બની. ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ બે શાનદાર ઇનિંગ્સે પાડોશી દેશની જનતાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન વિરુદ્ધ તેણે 13 બોલમાં 31 રન ફટકારીને ટીમને દમદાર શરૂઆત આપી હતી. જ્યારે સુપર-ફોરના મુકાબલામાં તેણે 39 બોલમાં 74 રનની આતિશી ઇનિંગ રમીને ભારતીય કેમ્પમાં નવી આશા જગાવી હતી. જોકે ફાઇનલમાં તેને ફહીમ અશરફે વહેલો આઉટ કરી દીધો હતો, તેમ છતાં અભિષેકનો પ્રભાવ આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ જોવા મળ્યો અને ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી.
ગૂગલના રિપોર્ટ મુજબ, અભિષેક પાકિસ્તાનમાં નંબર 1 સર્ચ્ડ એથ્લીટ બન્યો છે. તેના પછી હસન નવાઝ, ઇરફાન ખાન નિયાઝી, સાહિબજાદા ફરહાન અને મોહમ્મદ અબ્બાસનો સમાવેશ થાય છે. માત્ર પાકિસ્તાન જ નહીં, ભારતમાં પણ અભિષેક શર્મા 2025માં સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-3 લોકોમાં સામેલ રહ્યો. આ યાદીમાં ક્રિકેટરો જ છવાયેલા રહ્યા છે. જેમાં વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા ક્રિકેટરોમાં સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સે પણ ટોપ-10માં જગ્યા બનાવી ઠેય. ભારતમાં 2025ના ‘ઓવરઓલ’ ટોપ સર્ચમાં પણ IPL સૌથી ઉપર રહ્યું છે. સ્પોર્ટ્સ કેટેગરીમાં પાંચમાંથી ચાર ટૂર્નામેન્ટ ક્રિકેટ સાથે જોડાયેલી હતી, જ્યારે પ્રો કબડ્ડી લીગ પાંચમા સ્થાને રહી છે.


