1. Home
  2. ગુજરાતી
  3. ભારત સરકારનું વર્ષ 2023 માટેનું ‘નવું વર્ષ, નવો સંકલ્પ’ થીમ સાથેનું કેલેન્ડર જાહાર કરાયું
ભારત સરકારનું વર્ષ 2023 માટેનું ‘નવું વર્ષ, નવો સંકલ્પ’ થીમ સાથેનું કેલેન્ડર જાહાર કરાયું

ભારત સરકારનું વર્ષ 2023 માટેનું ‘નવું વર્ષ, નવો સંકલ્પ’ થીમ સાથેનું કેલેન્ડર જાહાર કરાયું

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે વર્ષ 2023 માટે ભારત સરકારનું સત્તાવાર કેલેન્ડર બહાર પાડ્યું હતું. આ પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ કેલેન્ડર પીએમ નરેન્દ્ર મોદીને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ પર રહેલા ભરોસાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉત્સાહ સાથે આગળ વધતા ભારતને દર્શાવતી 12 છબીઓના પ્રભાવશાળી સંગ્રહ સાથેના આ કેલેન્ડરની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, 12 મહિના માટેની 12 થીમ સરકાર દ્વારા જન કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલા ખૂબ જ દમદાર પ્રયાસોની ઝાંખી કરાવે છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ ઉપસ્થિતોને યાદ અપાવ્યું હતું કે, બે વર્ષના અંતરાલ પછી આ કેલેન્ડરને કાગળ પર ભૌતિક રીતે છાપવામાં આવી રહ્યું છે, જ્યારે બે વર્ષથી માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અનુરાગ ઠાકુરે આ કેલેન્ડરને સરકારની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કેલેન્ડર ડિજિટલ અને ભૌતિક એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે જે સરકારના પ્રયાસો અને કલ્યાણકારી પગલાં વિશે માહિતી આપવાનું પ્રસાર માધ્યમ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંદેશનું વિતરણ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ દેશની તમામ પંચાયતોમાં કેલેન્ડરનું વિતરણ કરીને તેને પાયાના સ્તર સુધી લઇ જવાનો છે.

માહિતી અને પ્રસારણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કેલેન્ડરની આ આવૃત્તિમાં સરકારની અત્યાર સુધીની સિદ્ધિઓ અને ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાઓ એમ બંને દર્શાવવામાં આવશે, તેથી તેની થીમ ‘નવું વર્ષ, નવો સંકલ્પ’ રાખવામાં આવી છે. તે હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તમામ સરકારી કચેરીઓ, પંચાયતી રાજ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયો, જિલ્લાઓમાં DBO અને DMની કચેરીઓ તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં વહેંચવામાં આવશે અને સ્વાયત્તની સંસ્થાઓને ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કેલેન્ડરની કુલ 11 લાખ નકલો છાપવામાં આવશે અને પંચાયતોને 2.5 લાખ નકલો પ્રાદેશિક ભાષાઓમાં વહેંચવામાં આવશે.

તેમણે મંત્રાલયની વિવિધ સંસ્થાઓની સિદ્ધિઓનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. પ્રસાર ભારતીએ તેના તમામ એનાલોગ ટેરેસ્ટ્રીયલ ટ્રાન્સમીટરોને રદ કરી દીધા છે, વ્યૂહાત્મક સ્થળોએ 50 ટ્રાન્સમીટરો રહેવાની અપેક્ષા છે. તેમજ, DD ફ્રી ડીશ વર્ષ 2022 ની શરૂઆતમાં 43 મિલિયન કરતાં વધુ ઘરો સુધી પહોંચી ગઇ છે, પ્રસાર ભારતી હેઠળની વિવિધ ચેનલો 2 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચી ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દેશમાં 75 સામુદાયિક રેડિયો સ્ટેશન ઉમેરવામાં આવ્યા છે, જેની સંખ્યા વધીને 397 સુધી પહોંચી ગઇ છે.

તેમણે ઉપસ્થિતોને વધુમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન્સની ઓટોમેશન પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે, આજ પ્રક્રિયા ભારતના અખબારોના રજિસ્ટ્રાર માટે ચાલી રહી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત 290 પત્રકારો અને પત્રકારોના પરિવારોને 13.12 કરોડ રૂપિયા આપ્યા છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન્સના મહાનિદેશક મનીષ દેસાઇએ માહિતી આપી હતી કે કેલેન્ડરની થીમ ‘નવું વર્ષ, નવો સંકલ્પ’ રાખવામાં આવી છે જે ભારત સરકારના વિવિધ કાર્યક્રમો અને નીતિઓનું પ્રદર્શન કરે છે. તેનો વિષય પીએમ નરેન્દ્ર મોદીના વિઝન, પહેલ અને નેતૃત્વ અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં આવેલી કેન્દ્ર સરકારની કચેરીઓમાં આ કેલેન્ડરનું વિતરણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ સાથે જ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન્સના માસ મેઇલિંગ યુનિટે ભારતની 2.5 લાખથી વધુ પંચાયતોને પ્રાદેશિક ભાષાઓમાં કેલેન્ડરનું વિતરણ કરવા માટે ઇન્ડિયા પોસ્ટ સાથે જોડાણ કર્યું છે.

  • કેલેન્ડર વિશે માહિતી

કેલેન્ડર 2023 નરેન્દ્ર મોદીના વિઝન, પહેલ અને નેતૃત્વ અનુસાર સર્વાંગી વિકાસ કરવાના ભારત સરકારના સંકલ્પને રજૂ કરે છે. દર મહિને શાસનના પસંદગીના એવા સિદ્ધાંતો અને નીતિઓ પર પ્રકાશ પાડવામાં આવે છે, જેણે મજબૂત ભારતને પોષવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

  • જાન્યુઆરી

ભારતે જેવો અમૃતકાળમાં પ્રવેશ કર્યો તે સાથે જ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બરના રોજ રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ તરીકે નામાભિધાન કર્યું હતું. આ પહેલ બ્રિટિશકાળના શાસનની ગુલામીની માનસિકતાના બંધનોને તોડીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની ફરજના માર્ગ પર આગળ વધવાનું પ્રતીક છે.

  • ફેબ્રુઆરી

ફેબ્રુઆરી એટલે “કિસાન કલ્યાણ” અથવા તો ખેડૂતોના કલ્યાણ માટેના કાર્યક્રમો માટે સમર્પિત મહિનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે, ખેડૂતો આપણા દેશનું ગૌરવ છે અને સરકારે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા ખેડૂતોને સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે અનેક નીતિઓ અમલમાં મૂકી છે.

  • માર્ચ

માર્ચ એટલે ભારતીય નારી શક્તિની ભાવના – નારી શક્તિનું સન્માન કરવાનો મહિનો છે. દરેક ઘરની મહિલાઓ પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરવા માટે, આપણે આ મહિનામાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. આ મહિનો એવી તમામ મહિલાઓની કાર્યસિદ્ધિની ઉજવણી કરવાનો મહિનો છે જેમણે તેમની સમક્ષ રહેલા તમામ પ્રકારાના અવરોધોનું બંધન તોડીને પોતાના માટે એક મુકામ બનાવ્યું છે અને અન્ય લોકો માટે અનુસરવા માટે એક દૃશ્ટાંત પૂરું પાડ્યું છે. ભારત સરકાર દર વર્ષે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારી મહિલાઓને ‘નારી શક્તિ પુરસ્કાર’ એનાયત કરીને તેમને સન્માનિત કરે છે

  • એપ્રિલ

શૈક્ષણિક સુધારા પર ભાર મૂકવો એ સરકારના મુખ્ય એજન્ડા પૈકી એક મુદ્દો છે. આ લક્ષ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા નારા, “પઠે ભારત, બઢે ભારત”નો સાર છે અને એપ્રિલ મહિનાની થીમ શિક્ષિત ભારત છે. નવી શિક્ષણ નીતિ જેવા સુધારાઓની મદદથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં પાયાના સ્તરે પરિવર્તન લાવવાની સાથે સાથે, ભારતીય શિક્ષણ પ્રણાલી લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહી છે.

  • મે

મે મહિનો કૌશલ્ય ભારત કાર્યક્રમને સમર્પિત છે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન ભારતમાં 30 કરોડથી વધુ લોકોને સુવ્યવસ્થિત સંસ્થાકીય અભિગમો દ્વારા કૌશલ્યની વ્યાપક શ્રેણી સાથે તાલીમ આપવાનો ઇરાદો ધરાવે છે. કૌશલ્યથી એ સુનિશ્ચિત થશે કે દેશનો કોઇપણ યુવાન પોતાની સાચી ક્ષમતા સુધી પહોંચવાથી વંચિત ન રહે.

  • જૂન

સમગ્ર દુનિયામાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ભારતમાં તમામ વય જૂથના લોકોને શારીરિક રીતે સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે ફિટ ઇન્ડિયા ચળવળનો પ્રારંભ કર્યો હતો. આ મહિનાની થીમ ‘ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા’ ફિટનેસના મંત્રને સમગ્ર ભારતમાં દરેકના ઘર સુધી લઇ જાય છે.

  • જુલાઇ

આરોગ્ય સંબંધિત કોઇપણ પ્રકારની ચર્ચા પર્યાવરણીય સ્વાસ્થ્યના સંદર્ભ વિના અધૂરી કહેવાય. ભારત, આબોહવાને અનુકૂળ સ્વસ્થ વિકલ્પો પસંદ કરવામાં અગ્રેસર રહ્યું છે. પર્યાવરણ માટે જીવનશૈલી – મિશન LiFE ની કલ્પના એવા કાર્યક્રમો તૈયાર કરવા માટે કરવામાં આવી છે, જે લોકોને “રિડ્યૂસ, રિયૂઝ, રિસાઇકલ” (બગાડ ઘટાડો, ફરી ઉપયોગમાં, રિસાઇકલ કરો)નો અભિગમ અપનાવવા માટે પ્રેરિત કરે છે.

  • ઑગસ્ટ

માત્ર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં જ નહીં, પરંતુ દિવ્યાંગો માટે યોજવામાં આવેલા આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં પણ ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. ઑગસ્ટ મહિનાની થીમ ખેલો ઇન્ડિયા છે. પાયાના સ્તરે ભારતીય ખેલાડીઓને સમર્થન આપવાથી લઇને વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ બનાવવા સુધી, ખેલો ઇન્ડિયા ભારતને તમામ રમતોમાં પોડિયમમાં ટોચ પર લઇ જવાનું વચન આપે છે.

  • સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનાની થીમ વસુધૈવ કુટુમ્બકમ એટલે કે “સમગ્ર વિશ્વ એક પરિવાર છે” રાખવામાં આવી છે. “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” પર આધારિત G-20 ની ભારતની અધ્યક્ષતા આ પ્રાચીન ભારતીય ભાવનાને વૈશ્વિક સ્તરે લઇ જાય છે. આ અનુસાર, હિતો અને ચિંતાઓ પણ તમામ લોકોને સમાન રીતે અસર કરે છે અને આપણે આ પૃથ્વી પર રહેતા દરેક જીવના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે સહકાર આપવો જોઇએ.

  • ઓક્ટોબર

મુશ્કેલ અને દુર્ગમ લક્ષ્યો પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા સાથે જ, આપણું ધ્યાન દેશની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા પર પણ કેન્દ્રિત છે. સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા તમામ ભારતીયોના ભોજનના અધિકારને સમર્થન આપ્યું છે. આથી ઓક્ટોબર મહિનાની થીમ ખાદ્ય સુરક્ષા રાખવામાં આવી છે.

  • નવેમ્બર

નવેમ્બર મહિનાની થીમ આત્મનિર્ભર ભારત છે. આ થીમ દેશને આત્મનિર્ભર બનાવવાના આપણા પ્રધાનમંત્રીના ઉત્સાહ પરથી પ્રેરિત છે અને આ સપનું 2 સપ્ટેમ્બર 2022ના રોજ INS વિક્રાંતની નિયુક્તિ સાથે સાકાર થયું છે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભારતમાં બનાવવામાં આવેલું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર જહાજ છે.

  • ડિસેમ્બર

જીવનને સમૃદ્ધ બનાવવા અને પૂર્વોત્તરની છુપાયેલી પ્રતિભા તેમજ ખજાનાનું સન્માન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા, પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના આઠ રાજ્યોને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખાવ્યા છે. તે ભારતની સમૃદ્ધિ માટે આ આઠ રાજ્યોના વેપાર, વાણિજ્ય, કુદરતી સંસાધનો અને વૈવિધ્યસભર સંસ્કૃતિના મહત્વને પ્રતિબિંબિત કરે છે અને સહિયારા ભારતના નિર્માણ તરફના પગલાં તરીકે તેને જોવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code