1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત બોર્ડના ધો. 10ના 12 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયુ માસ પ્રમોશન

ગુજરાત બોર્ડના ધો. 10ના 12 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયુ માસ પ્રમોશન

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. બીજીબાજુ વાલી મંડળ સહિત કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ ધોરણ 10ની પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી હતી. દરમિયાન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10માં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વને નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12ની પરીક્ષા માટે 15 મીએ નિર્ણય કરવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.

રાજ્યનાશિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10મી મે થી 25મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15 એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15મી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.15મી મેએ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે. એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

શિક્ષણ પ્રધાને ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.

શિક્ષણપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોર કમિટિમાં મુખ્યપ્રધાને એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code