1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી
ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023 જાહેર કરી છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલીસી છે. એટલું જ નહીં, આ પોલીસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્‍ડ અને વિન્‍ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારીને ભારતને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયાં છે. જેમાં વર્ષ 2030 સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 500 ગીગાવોટ સુધી વધારીને  દેશની કુલ ઊર્જા જરૂરિયાતના 50 ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ગુજરાતે વડાપ્રધાનની આ નેમને પાર પાડવા આ નવી રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત 2030 સુધીમાં સમગ્ર વિજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ પોલિસીમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાની જોગવાઈઓ કરેલી છે. રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે 4 લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી – 2023ના પરિણામે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલીસી હેઠળના લાભો પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી 25 વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે. આ પોલીસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – GEDA કાર્યવાહી કરશે. તેમજ પોલીસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL કામગીરી હાથ ધરશે. 

ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023ની મુખ્ય આકર્ષક બાબતો અને જોગવાઈઓ આ મુજબ છે..

  • કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં RE પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો નથી.
  • કન્ઝ્યુમરના વપરાશ સામે RE પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરવામાં આવશે.
  • ગ્રીન પાવર સપ્લાય – ગુજરાત વીજ નિયમન પંચ-GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100% RE ઊર્જા સપ્લાય.
  • રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે.
  • નાના પાયે રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝ્યુમર દ્વારા સ્થાપિત કરી શકશે.
  • ઓફશોર વિન્‍ડના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • પોલિસી વિન્‍ડ ટર્બાઈન જનરેટર-WTG ઉત્પાદકો અને RE ડેવલપર્સને પ્રોટોટાઇપ WTGs ઇન્સ્ટોલ કરવા માટે સુવિધા આપશે.
  • વિન્ડ ટર્બાઇન જનરેટરના રિપાવરિંગને પ્રોત્સાહન આપશે એટલે કે જૂના, નાના કદના અને બિનકાર્યક્ષમ વિન્ડ ટર્બાઈનને પુનઃ ઊર્જાવાન કરવા અને મોટા તથા વધુ કાર્યક્ષમ ટર્બાઈન સાથે બદલવા માટે મંજૂરી આપવામાં આવશે. રિપાવરિંગ માટે કેપેસિટી વધારાની કોઈ લિમિટ નથી.
  • હાલના સ્થાપિત વિન્ડ પાવર પ્લાન્ટને અથવા બાંધકામ હેઠળના સ્ટેન્ડઅલોન વિન્ડ અથવા સોલાર પાવર પ્લાન્ટને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાની સુવિધા આ પોલિસી અંતર્ગત મળશે.
  • રહેણાંક ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા પર કોઈ બેંકિંગ શુલ્ક લાગુ થશે નહીં, જ્યારે અન્ય ગ્રાહકો માટે GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત બેંકિંગ શુલ્ક લાગુ પડશે.
  • આ પોલિસી જે RE પાર્કને પ્રોત્સાહન આપે છે તેમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અને હાઇબ્રિડ પાર્કનો સમાવેશ થાય છે.
  • નહેરો, નદીઓ પર ફ્લોટિંગ સૌર પ્રોજેક્ટ વિકસાવી શકાશે.
  • કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ પર ક્રોસ-સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લાગુ થશે નહીં.
  • ડિસ્કોમ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલ RE પ્રોજેક્ટ્સમાંથી પાવર મેળવવા માટે કરાર કરશે.
  • 4 મેગાવોટ સુધીના સૌર પ્રોજેક્ટમાંથી ડિસ્કોમ અગાઉના 6 મહિનામાં સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ કરાર કરાયેલ ટેરિફની સિમ્પલ એવરેજ ટેરિફ + રૂ.20 પ્રતિ kWh ટેરિફ પર વીજળી મેળવી શકે છે અને 10 મેગાવોટ સુધીના વિન્ડ પ્રોજેક્ટને સિમ્પલ એવરેજ ટેરિફ પર મેળવી શકે છે.
  • ISTS કનેક્ટેડ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની બહાર પાવર નિકાસ કરી શકાશે.
  • ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સિંગલ વેબ પોર્ટલ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP-26ના ગ્લાસગો ખાતે યોજાયેલા સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જ, રિન્યૂએબલ એનર્જી સોર્સમાં થતો સતત ઘટાડો તેમજ પ્રદૂષણના કારણે ઊભા થયેલા પડકારોને અવસરમાં ફેરવી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. આ હેતુસર તેમણે ઉત્તરોતર ગ્રીન ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારીને 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code