
ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેબ્રુઆરીમાં ‘હાથ સે હાથ જોડો’ અભિયાન અને ગામેગામ પદયાત્રા યોજાશે
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારો, શહેર -જિલ્લા પ્રમુખો, ધારાસભ્યોની “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. સાથે આવવાનો અને આપણા રાષ્ટ્રને મજબૂત કરવાનો છે. આ યાત્રા 7 મી સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 12 રાજ્યોમાંથી પસાર થશે, જે જમ્મુ અને કાશ્મીરમાં પરિણામવાની છે અને યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા – લગભગ 150 દિવસના સમયગાળામાં લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાને પહેલેથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે; આજે આ યાત્રા 104 દિવસ અવિરત રોજના 25 કિ.મી. ચાલીને આપણા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કોંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે. આ યાત્રા પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી, નફરત અને વિભાજનની રાજનીતિ અને રાજકીય વ્યવસ્થાના અતિશય કેન્દ્રીકરણને ઊજાગર કરી રહી છે. જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ઐતિહાસિક ચળવળનો ભાગ બનવા માટે એકઠા થઈ રહ્યા છે. તે ભારતની એકતા, તેની સાંસ્કૃતિક વિવિધતા અને તેના લોકોના અવિશ્વસનીય મનોબળની ઉજવણી છે.
આ બેઠકમાં સર્વાનુમત્તે “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશ બેઠકમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ લલીત કગથરા, જીગ્નેશ મેવાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય શૈલેષ પરમાર, કીરીટ પટેલ, દિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત સંગઠનના સહપ્રભારી ઉષા નાયડુ, બી.એમ. સંદિપ, પ્રદેશ અગ્રણી જયનારાયણ વ્યાસ, એ.આઈ.સી.સી.ના મંત્રી સોનલબેન પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામ ગઢવી સહિત શહેર જીલ્લા પ્રમુખો, પ્રદેશ આગેવાનો, પ્રદેશના પદાધિકારીઓ, સેલ-ડીપાર્ટમેન્ટના પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.