ગાંધીનગર, 28 મે, 2026 : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. ૩૪૦ કરોડના ૮૪ જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આજે યોજાયેલાં આ કાર્યક્રમોમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના CSR ફંડના સહયોગથી ગુડા (GUDA), પંચાયત હસ્તકના તથા માર્ગ-મકાન વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રેલવે હસ્તકના અન્ડરબ્રિજનાં કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યમાં વહેતી વિકાસની સરવાણીનું શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને આપતાં કહ્યું કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે રૂ. ૩૪૦ કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લાં ૧૦ દિવસમાં અંદાજે રૂ. ૧૨૦૦ કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહોના સીએસઆર (CSR) ફંડની સહાયથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાસભર બને તેવા વિઝનનો ઉલ્લેખ કરતા ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, માત્ર નાણાકીય ભંડોળ જ મહત્વનું નથી, પરંતુ દરેક ગામડું આત્મનિર્ભર બને અને તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ થાય તે સરકારની પ્રાથમિકતા છે. દરેક નાગરિક સન્માનપૂર્વકનું જીવન જીવે તે માટે ગામડાઓમાં ઉત્તમ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં વધુ યુવાનોમાં વાંચનની ટેવ કેળવાય તે માટે ગ્રામીણ પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી છે, જેને ગાંધીનગરની લાઇબ્રેરી સાથે સાંકળવામાં આવશે. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૯ સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈની વિકાસલક્ષી નીતિઓને ધ્યાનમાં રાખીને જ નાગરિકોએ તેમને સત્તાનું સુકાન સોંપ્યું છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે આપેલું ‘ગુજરાત વિકાસ મોડેલ’ આજે કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યું છે, તેમ ગૃહમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના ધ્યેય સાથે આજે ગાંધીનગર ઉત્તર અને કલોલ તાલુકામાં રૂ. ૩૪૦ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરની જન્મજયંતિ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં સોનીપુર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ગ્રામીણ નાગરિકોની સુખાકારી વધારતા વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. દેશના ગૃહ અને સહકારિતા મંત્રીએ હજુ ૧૦ દિવસ પહેલાં જ રૂ. ૬૨૦ કરોડના કામોની મંજૂરી આપ્યા બાદ, તેમના તરફથી ગાંધીનગર જિલ્લાના નાગરિકોને આ સતત બીજી મોટી ભેટ મળી છે.

