
ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રદેશ સમિતિના મંત્રીએ રાજીનામું આપ્યું
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાસ તેજ બન્યો છે અને રાજકીયપક્ષોના સ્ટારપ્રચારકો પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ તેઓ ભાજપામાં જોડાય તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામાની જાણ કરી હતી. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું હતું. હવે તેઓ સમર્થકો સાથે અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલે કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. દરમિયાન અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનો ગઢ ગણાતા ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ફરીથી ઉતાર્યાં છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક ઉપર અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યાં છે.