1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે
ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી માતૃભાષાનું ગૌરવ વધારવા માટે આપણે પણ માતૃભાષામાં જ હસ્તાક્ષર કરવા જોઈએ, તેમ આરએસએસના આગેવાન અને જાણીતા વિચારક દિલીપભાઈ દેશમુખજીએ જણાવ્યું હતું. એટલું જ નહીં લોકો માતૃભાષામાં હસ્તાક્ષર કરતા થાય તે માટે ગુજરાત સ્થાપના દિન 1લી મેથી સમગ્ર રાજ્યમાં અભિયાન શરૂ કરવામાં આવશે.

આરએસએસના આગેવાન દિલીપભાઈ દેશમુખજીએ જણાવ્યું હતું કે, હું વર્ષોથી ગુજરાતી ભાષામાં જ સહી કરું છું. અંગ્રેજી ભાષામાં ક્યારેય કરી નથી. ગુજરાતી અને મરાઠીમાં સહી કરતો ત્યારે પણ કોઈ દિવસ વિચાર નથી આવ્યો કે અંગ્રેજીમાં સહી કરવી જોઈએ. 15મી ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યાં અને અમૃત મહોત્સવની જબરજસ્ત ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી 25 વર્ષ અમૃતકાળના છે અને આ સમયગાળામાં દેશમાં કેવા-કેવા પરિવર્તન થવા જોઈએ, દરમિયાન પીએમ મોદીએ વિકસીત દેશની નેમ વ્યક્ત કરી હતી. તેમજ ગુલામીની નિશાનીઓએ દુર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હાલ દેશના વિવિધ સ્થળોના નામો બદલીને ગુલામીની નિશાની દુર કરી છે. ખુશની વાત એ છે કે, હવે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. તો આપણી ભાષા આપણી ઓળખ હોય છે, આપણે સહી જે અનેકવાર કરવી પડે છે. જેથી મને મનમાં વિચાર આવ્યો કે શું કોઈ નિયમ છે કે, કઈ ભાષામાં સહી કરવી જોઈએ. આ અંગે સંવિધાનમાં તથા અન્ય કોઈ નિયમાવલીમાં ઉલ્લેખ નથી. તેમ છતા લાખો-કરોડો લોકો અંગ્રેજીમાં સહી કરે છે. તેની પાછળનું કારણ શું ? 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો દેશ છોડીને જતા રહ્યાં અને સ્વદેશી શાસન આવી ગયું છે પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજો જતા નથી. આપણી માનસિકતા હજુ પણ અંગ્રેજી છે. તો મનમાંથી પણ અંગ્રેજોને કાઢવા હોય તો આપણે આપણી જે તે ભાષા હોય તેમાં સહી કરવી જોઈએ. 1લી મેના રોજ આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે, તો શું આપણે આપમી માતૃભાષામાં સહી ના કરવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશના અનેક મહાનુભાવો છે જે પોતાની માતૃભાષામાં જ સહી કરે છે, તો આપણે કોઈનું અનુકરણ જ કરવુ છે તો આવા મહાનુભાવો જ કેમ ના કરવું જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ગુજરાતીમાં જ સહી કરતા હતા. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલજી પણ ગુજરાતી ભાષામાં સહી કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશાથી ગુજરાતીમાં જ સહી કરે છે. મોરારજી દેસાઈ, સાવરકરજી, ભારત રત્ન લત્તા મંગેશકરજી સહિતના અનેક મહાનુભાવો પોતાની માતૃભાષામાં જ સહી કરતા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી હું મહારાષ્ટ્રમાં હતો ત્યાં સુધી મરાઠીમાં જ સહી કરતો હતો. 1987માં આરએસએસના પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યો હતો. આધારકાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજોમાં મારી ગુજરાતી ભાષામાં જ સહી છે, મે ક્યારેય અંગ્રેજીમાં સહી કરી નથી. આપણે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ, એટલે દેશની તમામ ભાષાઓ આપણી છે, જેથી મને કોઈ ભાષા પ્રત્યે ગમો-અણગમો નથી, એટલે જ મરાઠી ઉપરાંત ગુજરાતી ભાષા સરળતાથી શિખી શક્યો. મારુ ભણતર મરાઠી ભાષામાં થયું છે પરંતુ હું ગુજરાતની પ્રજા પાસેથી ગુજરાતી શિખ્યો છું, હું મરાઠીમાં પણ પત્રો લખો છું પણ સહી ગુજરાતીમાં જ સહી કરું છું. આજે ગુજરાતી લખી શકું છું, વાંચી શકું છું અને મને હવે સ્વપ્ન પણ ગુજરાતીમાં જ આવે છે, મારી હવે મારી ખુદની ભાષા ગુજરાતી છે.

આપણી માતૃભાષાનું ગૌરવ વધારવા માટે આપણી ભાષામાં સહી કરવી જોઈએ. અંગ્રેજીમાં સહી કરવી ગુનો નોંધી, પરંતુ આપણી ભાષા પ્રત્યે પ્રેમ હોય તો માતૃભાષામાં જ સહી કરવી જોઈએ, બાળકોને ભાષા પ્રત્યે પ્રેમ વધે તે માટે તેઓ સહી કરતા થાય તે મહત્વનું છે. ઉચ્ચ અધિકારીઓ દરેક દસ્તાવેજો ઉપર ગુજરાતી ભાષામાં સહી કરજો તો લોકોમાં જાગૃતિ વધશે.

ગુજરાતના સ્થાપના દિવસથી ગુજરાતી ભાષામાં સહી કરવાનું અભિયાન શરૂ કરાશે. ગુજરાતી ભાષામાં સહી કરવાનો સંકલ્ય કરજો. લાખો કરોડો લોકો આ અભિયાનમાં જોડાય તેવી ઈચ્છા છે. આ અભિયાન એક-બે વ્યક્તિ નહીં કે કોઈ સંગઠનનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું છે. આપણી ભાષાને ગૌરવ અપાવવાનું કામ આપણું છે. દુનિયાની સુંદર સ્ત્રી હંમેશા માતા હોય છે તેમ દુનિયાની સૌથી સુંદર ભાષા આપણી માતૃભાષા છે. આપણે કોઈ પણ ભાષામાં ભારતને ભારત જ કહેવું જોઈએ. આપણે ઈન્ડિયાનો ઉલ્લેખ કરવો ના જોઈએ, દેશની જનતાએ પણ ઈન્ડિયાને બદલે ભારત જ બોલવા માટે સંકલ્ય કરવો જોઈએ. અંગ્રેજોને ઉચ્ચારણમાં તકલીફ પડતી હોવાથી ઈન્ડિયા કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code