Site icon Revoi.in

ગુજરાતઃ પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત લીધા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં 2015 માં પાટીદારો આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાના મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા- દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  આખરે રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. હું ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે.

ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના ચાર પાટીદાર નેતાઓ પર ગુજરાતની ભાજપ સરકાર મહેરબાન થઇ હતી. પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો હતો. પોતાની સામેના કેસ પરત ખેંચાયાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ સોશલ મીડિયામાં આભાર માન્યો હતો. ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય કરતા હાર્દિક પટેલે આભાર માન્યો હતો.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગંભીર કેસ પરત ખેંચવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી હતી. બે મહિના પહેલા કેસોની રાજ્ય સરકારને માહિતી અપાઇ હતી. જે-તે વખતે આ કેસોનો લીસ્ટમાં સમાવેશ થયો ન હતો. જે-તે સમયે આંદોલનને કચડવાનો થયો હતો પ્રયાસ. બાંભણિયાએ દાવો કર્યો હતો કે અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણાના કેસો પાછા ખેંચાશે. રાજ્ય સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. કેસ પાછા ખેંચવાના નિર્ણય મુદ્દે સરકાર તરફથી હજુ સ્પષ્ટતા કરાઇ નથી. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ મોટો દાવો કર્યો હતો કે રાજદ્રોહ સહિતના કેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને મુક્ત કરાયાનો તેમણે દાવો કર્યો હતો. આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા હતા.