ગાંધીનગરઃ જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો.
સાથે જ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક હેરાન ન થાય, તંત્ર દ્વારા તેની ખાસ ચિંતા કરવામાં આવે. એટલુ જ નહી નાગરિકોને તેમના સામાજિક કાર્યક્રમોમાં કોઈપણ અડચણ હોય તો તેમાં પણ સહાયરૂપ થવા અપીલ કરી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીમાં મંત્રીઓને પોતાના તથા સોંપાયેલા પ્રભારી જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી ચૂંટણીપંચને મદદરૂપ થવા અને આ કામગીરી ચોક્સાઇપુર્વક પૂર્ણ કરાવે તેવા આદેશો આપ્યા છે.
કર્મચારી-અધિકારીઓનુ મહેકમ પૂર્ણ કરવા અપાયેલી સુચના અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમિક્ષા કરીને ભરતી કેલેન્ડર પ્રમાણે સત્વરે આ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સુચના આપી છે.
રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ અંગે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, માગશર સુદ પાંચમ અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને પ્રાચિન શાસ્ત્રોમાં માતા સીતાના વિવાહ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે વર્ણવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી તથા રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે. નોંધનિય છે કે, વડાપ્રધાનએ વર્ષ-૨૦૨૨માં ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર પણ ધ્વજારોહણ કર્યું હતુ. પાંચ શતાબ્દી બાદ પાવાગઢ મહાકાળી મા ના શિખર પર ધજા ચઢી હતી.

