ગુજરાતઃ નવી જંત્રીના દરનો હવે 15મી એપ્રિલથી થશે અમલ
- રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
- નવા જંત્રી દરને લઈને બિલ્ડરોએ નારાજગી વ્યક્ત કરી હતી
- રાજ્ય સરકારના નિર્ણયથી બિલ્ડરોએ રાહતનો શ્વાસ લીધો
અમદાવાદઃ નવી જંત્રીને લઈને બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બ્રોકર્સ સહિતના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરીને મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. દરમિયાન નવી જંત્રીને લઈને રાજયની ભાજપ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારે હાલ પુરતો નવા જંત્રીના દરનો અમલ મોકુફ રાખવાનો સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે, આગામી 15મી એપ્રિલથી નવી જંત્રીના દરનો અમલ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાજેતરમાં જ નવી જંત્રીને લઈને આદેશ કર્યો હતો. સરકારના આ આદેશનો બિલ્ડરોએ વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રી સાથે મીટીંગ કરીને દરમિયાનગીરી કરવા વિનંતી પણ કરી હતી. તેમજ બિલ્ડર્સ એસો,એ નવી જંત્રી સામેના વાંધાઓ અને સૂચનો રજૂ કર્યાં હતા. તેમની પ્રમુખ માગ હતી કે જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે.આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી રજૂઆત કરી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા હાલના સમયમાં નવા જંત્રીના દરનો અમલ કરવાનું ટાળ્યું છે. તેમજ આગામી 15મી એપ્રિલથી નવા જંત્રીના દરનો અમલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી બિલ્ડરોએ રાહત અનુભવી હતી.
(Photo-File)