ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ
- ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત
- યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે મંગળવારે 14 જુલાઈના રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી અને યુવા મોરચાના પ્રભારી શ્રી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાની વિશિષ્ટ પૂર્ણદિવસીય બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા સંગઠનને વધુ સુદૃઢ અને સક્રિય બનાવવા તેમજ રાજ્યના યુવાનોને શિક્ષણ, કારકિર્દી, નેતૃત્વ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા સાથે જોડવાના હેતુથી બે મહત્વપૂર્ણ રાજ્યવ્યાપી અભિયાનો ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’ ની જાહેરાત કરવામાં આવી હતી.
ફિનટેક સિટી ગિફ્ટ સિટીની મુલાકાત
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન અને સૂચનથી સૌપ્રથમવાર કાર્યકરોના ઘડતર, જ્ઞાનવર્ધન અને વિકાસલક્ષી યોજનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવવાના હેતુથી બેઠકને સ્ટડી ટૂર સાથે જોડીને અનોખું આયોજન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનથી નિર્માણ પામેલા અને ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિકસિત થયેલી દેશની ફિનટેક સિટી ગિફ્ટ સિટીની મુલાકાત આ આયોજનનું મુખ્ય આકર્ષણ રહી હતી.

સ્ટડી ટૂર દરમિયાન કાર્યકરોએ ગિફ્ટ સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર ગિફ્ટ સિટીનું સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને સર્વેલન્સ અત્યાધુનિક ટેક્નોલોજીના માધ્યમથી કેવી રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી મેળવી. સાથે જ વિકાસલક્ષી આયોજન અને આધુનિક શહેરી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓને નજીકથી જાણવાનો અવસર પ્રાપ્ત કર્યો.ઉપરાંત પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીની મુલાકાત દ્વારા નવીન શિક્ષણ, સંશોધન અને ઊર્જા ક્ષેત્રે થઈ રહેલા કાર્ય વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી.
સ્ટડી ટૂર પૂર્ણ થયા બાદ યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોના વ્યક્તિત્વ વિકાસ, સેવા, સંગઠન અને રાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે વધુ અસરકારક રીતે કાર્ય કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સંગઠનનો સાચો પ્રભાવ કાર્યકર્તાની ઓળખ, સતત જનસંપર્ક, સેવા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાથી ઊભો થાય છે
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંગઠનનો સાચો પ્રભાવ કાર્યકર્તાની ઓળખ, સતત જનસંપર્ક, સેવા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાથી ઊભો થાય છે. દરેક કાર્યકર્તાએ સતત ક્ષેત્રમાં પ્રવાસ કરી સમાજના વિવિધ વર્ગો સાથે આત્મીય સંબંધો વિકસાવવા, નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને સંગઠનના વિચારોને જનજન સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સંગઠનની વિચારધારા, સેવા, સમર્પણ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પને આત્મસાત કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓએ દરેક બૂથ સુધી સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવું જોઈએ.
યુવા મોરચાના પ્રભારી શ્રી કિરીટભાઈ પટેલે સ્વચ્છ ભારત અભિયાન અને ‘મન કી બાત’ કાર્યક્રમના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવા મોરચાની ટીમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી અને દરેક કાર્યકર વધુ સમર્પણ અને મહેનત સાથે કાર્ય કરીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવે તે માટે માર્ગદર્શન આપ્યું.
યુવાનો માત્ર વિકાસના સાક્ષી નહીં, પરંતુ વિકાસના સક્રિય સહભાગી
ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પમાં યુવા શક્તિને કેન્દ્રસ્થાને રાખી છે. યુવાનોને માત્ર વિકાસના સાક્ષી નહીં, પરંતુ વિકાસના સક્રિય સહભાગી, પરિવર્તનના વાહક અને રાષ્ટ્રનિર્માણના મુખ્ય શિલ્પી બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવા દિશા-દર્શન સંવાદ’ યુવાનોને યોગ્ય કારકિર્દી, કૌશલ્ય અને ભવિષ્યની નવી તકો સાથે જોડશે, જ્યારે ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’ રાજ્યની યુવા બહેનોને નેતૃત્વ, લોકભાગીદારી અને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનાવશે. યોગ્ય દિશા મેળવનાર યુવા પોતાનું સફળ ભવિષ્ય ઘડે છે અને સશક્ત નારી શક્તિ સમગ્ર સમાજને નવી ઊર્જા પ્રદાન કરે છે.
ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિષય નિષ્ણાતો, સામાજિક સંસ્થાઓ તથા વિવિધ ક્ષેત્રોના અનુભવી માર્ગદર્શકોના સહયોગથી બંને રાજ્યવ્યાપી અભિયાનોનું આયોજન કરવામાં આવશે. તેની વિસ્તૃત કાર્યયોજના આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાતના યુવાનોને કારકિર્દી અંગે વિશ્વસનીય માર્ગદર્શન, નવી તકોની જાણકારી અને ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા મળે તે હેતુથી ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્યભરની કોલેજો, યુનિવર્સિટીઓ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિષય નિષ્ણાતો સાથે માર્ગદર્શન સંવાદો યોજાશે.
આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, વિવિધ સેલના કન્વીનર અને સહ-કન્વીનર, જિલ્લા તથા મહાનગરના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


